///

જામનગરના કસ્ટમ વિભાગમાંથી 1 કરોડનું સોનું થયું ગાયબ

જામનગરના કસ્ટમ વિભાગમાંથી એક કરોડના સોનાની ચોરી થઈ છે. જેમાં કસ્ટમ વિભાગના કોઈ કર્મચારીએ રૂ.1.10 કરોડનું સોનું ચોરી ગયાની ઘટના બનવા પામી છે. જેમાં કચ્છ કસ્ટમ દ્વારા ભૂકંપ સમયે જામનગર કસ્ટમમાં આ સોનુ જમા કરાવ્યું હતું. ત્યારે આ સોનું પાછું સોંપતી વેળાએ 2 કિલો જેટલું સોનુ ઓછું મળ્યું હતું. ત્યારે આ ચકચારી ઘટનાથી કસ્ટમ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સિટી-બી ડિવિઝનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગર કસ્ટમ વિભાગ હસ્તકના સોનામાંથી રૂપિયા એક કરોડની કિંમતના 2156.72 ગ્રામ સોનાની ચોરી થઈ છે. જામનગર કસ્ટમ વિભાગના અધિકારીએ બે કિલો સોનાની ચોરી કોઈ અંદરના જ માણસે કરી હોવાનું કહેવાય છે. વર્ષ 1982 અને 1986ના વર્ષમાં કચ્છ કસ્ટમ વિભાગે દરોડા પાડ્યા હતા. દાણચોરીથી ભારતમાં લાવવામાં આવી રહેલો સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વર્ષ 2001 સુધી ભૂજના કસ્ટમ વિભાગમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. પરંતુ વિનાશક ભૂકંપ બાદ કસ્ટમ વિભાગની ભૂજની કચેરીને ભારે નુકસાન થયું હતું. તેથી વિભાગમાંથી સોનુ ખસેડીને જામનગર કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યું હતું. 2016ના વર્ષમાં કચ્છ કસ્ટમ વિભાગને વિધિવત રીતે સોનુ સોંપાયું હતું.

આ ઉપરાંત અત્યાર સુધી આ સોનું કસ્ટમ વિભાગમાં સુરક્ષિત હતું. પરંતુ હાલ સોનાના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 2156.72 ગ્રામ સોનાની ઘટ મળી આવી હતી. આ સોનાની માર્કેટ કિંમત 1 કરોડ 10 લાખ રૂપિયા થાય છે. ત્યારે સરકારી વિભાગમાંથી સોનુ ગાયબ થતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે ફરિયાદ દાખલ કરવામા આવી છે કે, અંદરના જ કોઈ કર્મચારીએ આવુ કર્યું હોઈ શકે છે.

મહત્વનું છે કે, તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પણ ચાર દિવસ પહેલા આવી ઘટના બની હતી. અહી CBI તિજોરીમાંથી 103 કિલોથી વધુ સોનુ ગાયબ થયુ હતું. ગાયબ થયેલુ સોનુ 2012ના વર્ષ દરમિયાન એક દરોડામાં મળી આવ્યું હતું. સેફ કસ્ટડીમાં રાખવામાં આવેલ 45 કરોડ રૂપિયાના સોનામાં ઈંટ અને જ્વેલરી સામેલ હતી.

Leave a Reply

Your email address will not be published.