///

સુરતમાં સાળાની પત્નીના શ્રીમંતમાં દારૂની મહેફિલ માણતા 10 લોકો ઝડપાયા

સુરત શહેરમાંથી વધુ એક દારૂની મહેફિલ પકડાઈ છે. જેમાં 3 મહિલા સહિત 10 લોકો દારૂ પીતા પકડાયા છે. શહેરના સરથાણા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં પાર્ટી પ્લોટના માલિકે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી દારૂની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં તમામ 10 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખટોદરા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે, સરથાણાના પાંડેસરા ખાડી બ્રિજ પાસે આવેલા કેશવ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેથી પોલીસે બાતમીના આધારે કેશવ પાર્ટી પ્લોટમાં રેડ પાડી હતી. જેમાં દારૂની મહેફિલ કરતા 10 લોકો પકડાયા હતા. પોલીસે જોયું તો, ટેબલ ખુરશી પાથરીને દસ જણા દારૂ પી રહ્યા હતા. જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ઝડપાયેલા 10 લોકો પૈકી એક કેશ પાર્ટી પ્લોટનો માલિક પુકાર પટેલ હતો. જેણે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યારે પકડાયેલા તમામ લોકો એકબીજાના સંબંધી છે. તેના માટે બીયર અને ઈંગ્લીશ દારૂની બોટલ ઉધના રેલવે પટરી પાસેથી અજાણ્યા માણસ પાસેથી પાંચ દિવસ પહેલાં લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે સ્થળ પરથી છ બીયર કબ્જે કરી હતી. જેમાં ત્રણ ખાલી અને ત્રણ ભરેલા હતા. જ્યારે બે ઈંગ્લીશ દારૂની બોટલ, સોડાની બોટલ, બાલાજી કંપનીના દાણાના પેકેટ મળી આવ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.