ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના ઓછા થઈ રહેલા કેસો ફરીથી વધવા લાગ્યાં છે. ત્યારે સતત ત્રીજા દિવસે પણ એક હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1020 નવા કેસ મળી આવ્યાં છે. જ્યારે વધુ 7 લોકોના મોત નોંધાયા છે.
રાજ્યમાં નવા કેસ ઉમેરાવાની સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,80,699 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી આ જીવલેણ વાઈરસ રાજ્યમાં 3769 લોકોને ભરખી ચૂક્યો છે. ગુજરાતમાં સૌથી વધુ 194 પોઝિટિવ કેસ સુરત જિલ્લામાંથી મળી આવ્યાં છે. આ સિવાય અમદાવાદ જિલ્લામાંથી 185, વડોદરામાં 127, રાજકોટમાં 113, ગાંધીનગરમાં 66 અને જામનગર જિલ્લામાં 26 નવા કેસ સામે આવ્યાં છે.
રાજ્યમાં 24 કલાકમાં થયેલા 7 મૃત્યુમાં સૌધી વધુ અમદાવાદ અને સુરતમાં 2-2 લોકોના મોત થયા છે. આ સિવાય ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં એક-એક દર્દીએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે છેલ્લા 24 કલાકમાં 819 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કુલ 1,64,596 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 91.09 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 12,340 નોંધવામાં આવી છે. જેમાં 68ની વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 12,272 દર્દીઓની હાલત સ્થિર જણાવાઈ છે.
આ ઉપરાંત ગુજરાતમાં અત્યાર સુધી 64,68,154 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 51,119 લોકોના ટેસ્ટિંગ રવિવારે એક જ દિવસમાં કરવામાં આવ્યાં છે.