///

તમિલનાડુ : CBI કસ્ટડીમાંથી 45 કરોડ રૂપિયાનું 103 કિલો સોનું થયું ગાયબ

તમિલનાડુમાં CBI દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં 45 કરોડ રૂપિયાની કિંમતના આ સોનાને CBIની સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ આ સોનું હવે અહીંથી ગાયબ થઈ ગયું છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ CB-CIDને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

મહત્વનું છે કે, CBIની ટીમે વર્ષ 2012માં ચેન્નઈની સુરાના કોર્પોરેશન લિમિટેડની ઑફિસમાં દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન CBIએ ત્યાંથી સોનાની ઈંટો અને ઘરેણા સહિત 400.5 કિલોગ્રામ સોનુ જપ્ત કર્યું હતું. જપ્ત કરેલા સોનાને સીલ કરીને CBIની સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે જપ્ત કરેલા સોનામાંથી 103 કિલોગ્રામથી વધુ સોનું ગાયબ છે.

આ અંગે CBI તરફથી મળતી માહિતી પ્રમાણે સેફ અને વૉલ્ટ્સની 72 ચાવીઓ ચેન્નઈની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટને સોંપી દેવામાં આવી હતી. CBI તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, દરોડા દરમિયાન જ્યારે સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યારે સોનાને એક સાથે જ લઈ જવામાં આવ્યું હતું. જ્યારે SBI અને સુરાના વચ્ચે લોનના મામલાના નિકાલ માટે નિયુક્ત કરવામાં આવેલા લિક્વિડેટરને સોંપતા સમયે વજન અલગ-અલગ કરવામાં આવ્યું છે. આજ કારણ છે કે, સોનાના વજનમાં અંતર જોવા મળી રહ્યું છે.

આ મામલે જસ્ટિસ પ્રકાશે CBIની દલીલને ફગાવતા SP રેન્કના અધિકારીની આગેવાનીમાં CB-CID તપાસનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ 6 મહિનાની અંદર કરવાનો આદેશ આપતા જસ્ટિસ પ્રકાશે કહ્યું કે, CB-CIDને સમગ્ર મામલે FIR દાખલ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આ CBI માટે અગ્નિ પરીક્ષા હોઈ શકે છે, પરંતુ તેનું કશું જ નહીં થઈ શકે. જો સીતાની જેમ તેઓ પવિત્ર હશે, તો બચી જશે નહીં તો તેમને તેની સજા ભોગવવી જ રહી.

Leave a Reply

Your email address will not be published.