///

રાજ્યમાં દિવાળી તહેવારના ત્રણ દિવસની અંદર 11 હજારથી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા

દિવાળીના તહેવારોના ત્રણ દિવસની અંદર રાજ્યમાં 11 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં દિવાળીથી લઈને ભાઈબીજ સુધી એમ ત્રણ દિવસના સમયગાળામાં ઇમરજન્સી કેસની સંખ્યામાં 30.49 ટકાનો વધારો નોંધાયો છે. આ ત્રણ દિવસના તહેવારમાં રાજ્યમાં કુલ 11,079 ઇમરજન્સી કેસ નોંધાયા હતા.

આ અંગે ગુજરાત GVK-EMRI દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે, 16મી નવેમ્બરના રોજ રાજ્યમાં સૌથી વધુ 3900 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. જ્યારે 15મી નવેમ્બરના રોજ બેસતા વર્ષના દિવસે 3658 તેમજ 14મી નવેમ્બર મૂળ દિવાળીના દિવસે 3521 ઇમરજન્સી કેસ નોંધાયા હતા.

તો બીજી બાજુ દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકોની રોડ પર અવરજવરને કારણે માર્ગ અકસ્માતના ઇમરજન્સી કેસમાં 151 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જો સામાન્ય દિવસોની વાત કરીએ તો 335 જેટલા ઇમરજન્સી કેસ સામે આવે છે, ત્યારે આ વખતે કોરોનાકાળ હોવા છતાં રાજ્યમાં દિવાળીના દિવસે – 589, બેસતા વર્ષના દિવસે – 625 અને ભાઈબીજના દિવસે – 841 માર્ગ અકસ્માતને લગતા ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં કુલ 2055 માર્ગ અકસ્માતને લગતા ઇમરજન્સી કેસ નોંધાયા હતા.

અમદાવાદ જિલ્લામાં સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાંશ 554 જેટલા ઇમરજન્સી કેસ નોંધાય છે, ત્યારે દિવાળીના ત્રણ દિવસમાં કુલ 2631 ઇમરજન્સી કેસ નોંધાયા છે. આમ આ ત્રણ દિવસોમાં અમદાવાદમાં ઇમરજન્સી કેસની સંખ્યામાં સરેરાંશ 58.30 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં દિવાળીના દિવસે 850, બેસતા વર્ષના દિવસે – 892 અને ભાઈબીજના દિવસે – 889 ઇમરજન્સી કેસ નોંધાયા હતા.

રાજ્યમાં દિવાળી અને બાદના બે દિવસમાં દાઝી જવાના કુલ 51 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જેમાંથી 25 દિવાળીના દિવસે નોંધાયા હતા. સામાન્ય દિવસોમાં દાઝી જવાના સરેરાંશ માત્ર 5 કેસ નોંધાતા હોય છે. આ સિવાય દિવાળીના અને બાદના બે દિવસોમાં રાજ્યમાં માર્ગ અકસ્માતને લગતા ઇમરજન્સી કેસમાં 104.48 ટકા જ્યારે શ્વાસ સબંધી ઇમરજન્સી કેસમાં 50.92 ટકાનો સરેરાંશ વધારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.