////

રાજકોટમાં અધધ… ભૂતિયાનળ કનેક્શન, 4926 કનેક્શન તો પશ્ચિમ વિસ્તારના જ

રાજકોટમાં મહાનગરપાલિકા ભૂતિયા નળ કનેક્શનને લઈને એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં અત્યારસુધીમાં સૌથી વધુ 11,173 ભૂતિયા નળનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે. આ ભૂતિયાનળના કનેક્શન સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરમાં કુલ 11,173 ભૂતિયા નળ કનેકશનમાંથી સૌથી વધારે 4926 કનેક્શન પશ્ચિમ વિસ્તારમાં જ જોવા મળ્યાં છે. જો કે શહેરમાં ભૂતિયા નળ કનેકશનને લઇને તંત્ર દ્વારા 31 ડિસેમ્બર સુધીમાં 500 રૂપિયાની પેનલ્ટી લઇને રેગ્યુલાઇઝ કરવામાં આવશે. મનપા કમિશ્નરે આ અંગે જણાવ્યું કે, 98 ટકા લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, રાજકોટમાં 776 ભૂતિયાનળ કનેક્શન રેગ્યુલાઈઝ કરવા અરજી આવી છે. જેમાંથી 432 અરજીઓ મંજૂર કરાઈ છે. રાજકોટમાં 98 ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. તો 31 ડિસેમ્બર સુધી ભૂતિયા નળ કનેક્શન લઈને રેગ્યુલાઈઝ કરાશે. આ તમામ પાસેથી 500 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજકોટમાં એક મહિનાથી ભૂતિયા કનેક્શન શોધવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં 11 હજાર 173 ભૂતિયા નળ કનેક્શન મળી આવ્યા છે. જેમાં સૌથી વધુ કનેક્શન રાજકોટ પશ્ચિમમાં જ છે.

Leave a Reply

Your email address will not be published.