/////

રાજ્યમાં અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 15ના મોત, 35થી વધુ ઇજાગ્રસ્ત

રાજ્યમાં આજે વહેલી સવારથી અકસ્માતની ત્રણ મોટી ઘટના સામે આવી છે. જેમાં વડોદરા, સુરત અને સુરેન્દ્રનગર હાઈવે પર ગોઝારા અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતને પગલે કુલ 15 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ તમામ અકસ્માતમાં ગંભીર અકસ્માત વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો છે. ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 મહિલા સહિત 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે અકસ્માતમાં ઘાયલ અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ અકસ્માત બાદ ઘટના થંભી નહતી, સુરેન્દ્રનગરમાં એક કાર ઝાડ સાથે ટકરાઇ હતી. આ ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે સુરત ખાતે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફરોને ઇજા પહોંચી હોવના સમાચાર સામે આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર હેઠળ લઈ જવાયા છે.

વડોદરામાં અકસ્માતથી 10ના મોત

વડોદરામાં વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 કલાકે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જે તમામને સારવાર અર્થે ખસેડેલ છે. આ અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને SDM સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.

સુરેન્દ્રનગરમાં અકસ્માતથી 4ના મોત

આજે વહેલી સવારે સુરેન્દ્રનગર લખતર રોડ પર કાર ઝાડ સાથે ટકરાતા ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. મૃતકમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતક કુંભાર પરિવાર ભગુડા મોગલધામ મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યો હતાં. ત્યારે કોઠારિયા ગામ પાસે કાર ઝાડ સાથે ટકરાતા ઘટનાસ્થળે જ ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

સુરતમાં અકસ્માતથી 15થી વધુને ઇજા

સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે વહેલી સવારે 6 કલાકે બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઇપણ મોતના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જે તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.