////

સરકારની ચિંતા વધી, દેશના 70 જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યામાં 150 ટકાનો વધારો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઇકાલે બુધવારે કહ્યું કે એક માર્ચથી 15 માર્ચ વચ્ચે 16 રાજ્યના કુલ 70 જિલ્લામાં કોવિડ 19 (Covid 19) ના એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે તેમાંથી મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે.

તેમણે કહ્યું કે 16 રાજ્યોના લગભગ 70 જિલ્લામાં એક માર્ચથી 15 માર્ચ વચ્ચે એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો જોવા મળ્યો અને 17 જિલ્લાના 55 ગામમાં 100થી 150 ટકાનો વધારો નોંધાયો છે. ભૂષણે કહ્યું કે આ રાજ્યમાં અમે વેક્સિનેશનમાં ઝડપ લઇ આવવા અને તમામ લાભાર્થીઓને વેક્સિન આપવાનું કહ્યું છે.

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં વધારા પર તેમણે કહ્યું કે તમામ એક્ટિવ દર્દીઓની સંખ્યામાંથી 60 ટકા ફક્ત મહારાષ્ટ્રમાં છે અને મહામારીથી થનારા હાલના મોતના પણ 45 ટકા મોત મહારાષ્ટ્રમાં થયા છે. તેમણે કહ્યું કે એક માર્ચે સંક્રમણના 7741 કેસ સામે આવ્યા હતા. 15 માર્ચ સુધીમાં આ સંખ્યા વધીને સરેરાશ 13,527 થઈ ગઈ. સંક્રમણનો દર એક માર્ચે 11 ટકા હતો જે 15 માર્ચ સુધીમાં 16 ટકા થઈ ગયો છે.

સંક્રમણના વધતા દર પર ચિંતા વ્યક્ત કરતા ભૂષણે કહ્યું કે તપાસની સંખ્યા તે દરથી નથી વધી રહી જે પ્રકારે સંક્રમણના દરમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આથી રાજ્યોને ખાસ કરીને મહારાષ્ટ્રને અમારી સલાહ છે કે તપાસના દર, ખાસ કરીને આરટી પીસીઆરનો દર વધારવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.