////

રાજ્યના આ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા 168 ઓક્સિજન બેડ તૈયાર કરાયા

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે, ત્યારે એવામાં નર્મદા જિલ્લો કોરોનાની સંભવત ત્રીજી લહેરને પહોંચી વળવા હવે સક્ષમ બની ગયો છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધાવાળા 168 અને ઓક્સિજન સાથે વેન્ટિલેટરની સુવિધાવાળા વધુ 10 બેડ તૈયાર થઈ ચૂક્યા છે.

કોરોનાની બીજી લેહેરમાં નર્મદા જિલ્લાની સ્થિતિ ઘણી વિકટ બની હતી. કોરોના દર્દીઓની સાથે વધતા મૃત્યુ આંક પણ ચિંતાનો વિષય બન્યો હતો. નર્મદા જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓની માટે પૂરતાં પ્રમાણમાં ઓક્સિજનના જથ્થા ઉપલબ્ધિ માટે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે ઘણા પ્રયત્નો કર્યા હતા.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અવિરત પુરવઠા માટે ચાર અલાયદી લાઈનની ઇન્સ્ટોલેશનની તમામ કામગીરી પૂર્ણ કરાઇ છે. જેથી સેન્ટ્રલ ઓક્સિજન લાઈન દ્વારા હોસ્પિટલમાં 200 બેડની સુવિધા અંતર્ગત 168 બેડ જનરલ ઓક્સિજનવાળા અને 10 બેડ વેન્ટીલેટર સાથેના ઓક્સિજનવાળા બેડ સહિત કુલ-178 ઓક્સિજનવાળા બેડની સુવિધા ઉપલબ્ધ થઈ છે.

જેમાં 3 સ્પેશિયલ રૂમમાં ઓક્સિજનવાળા-9 બેડની સુવિધાનો પણ સમાવેશ થાય છે.તદઉપરાંત 22 જેટલા જનરલ બેડને પણ જરૂર પડ્યે ઓક્સિજન સુવિધા પણ પુરી પાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.સાથો સાથ લિક્વીડ ઓક્સિજન માટેની પોટા ટેન્ક, ડ્યુરા ટેન્ક અને ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે, રાજપીપળામાં 100 બેડની ક્ષમતા સાથે કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત થઇ ત્યારે આ હોસ્પિટલમાં માત્ર 8 બેડ જ ઓક્સિજનની સુવિધા સાથે ઉપલબ્ધ હતાં.ત્યારબાદ સમયાંતરે વખતો વખત ઓક્સિજનની સુવિધાવાળા વધુ બેડની જરૂરિયાત મુજબ તેમાં વધારો કરીને હાલની સ્થિતિએ હવે 178 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

રાજપીપલાના સિવિલ સર્જન અને કોવિડ-19 હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ.જ્યોતીબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ફીઝીશીયનની મદદમાં મેડીકલ ઓફિસરોની ભરતી માટે સ્થાનિક કક્ષાએ વિજ્ઞાપનની પ્રસિધ્ધિ મારફત 12 જેટલા મેડીકલ ઓફિસરોની નિમણૂંક સાથે તેમની સેવાઓ ઉપલબ્ધ કરાઇ છે.

નર્સિંગ સ્ટાફની ભરતી માટે પણ સ્થાનિક કક્ષાએ વિજ્ઞાપનની પ્રસિધ્ધિ મારફત 44 જેટલી સ્ટાફનર્સની સેવાઓ લઇને તેમને સેવારત કરાયેલ છે.કોવિડ-19 ની લેબોરેટરીની સુવિધા વધારવા માટે રાજપીપળાની વિજય નર્સિંગ હોમમાં કાર્યરત પટેલ લેબોરેટરી સાથે MOU કરાયેલ છે.

આ ઉપરાંત દર્દીઓના સીટીસ્કેન માટે નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર-રાજપીપળા સાથે MOU કરાયેલ છે.રાજપીપળાની કોવિડ-19 હોસ્પિટલ ખાતે સારવાર લેતા દર્દીઓના લોહી તથા સીટીસ્કેનના રિપોર્ટની સુવિધા વિના મૂલ્યે પૂરી પડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.