////

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે 17,000 કરોડના લોકાર્પણ-ખાતમુર્હૂતના કામ થયા : CM

રાજ્યમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, એવામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ વિકાસયાત્રાની અવિરત કૂચ જારી રાખતાં આ કોરોનાના સમય દરમિયાન રાજ્યમાં 17,000 કરોડ રૂપિયાના લોકાર્પણ-ભૂમિપૂજનના વિકાસ કામો-પ્રજાહિત કામો લોકોના ચરણે ધર્યા છે. એકલા અમદાવાદ મહાનગરમાં જ કોરોનાના સમયમાં 2,857 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ 600 વર્ષ જૂનું અને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સમયની સાથે ચાલીને આધુનિક મહાનગર, વિશ્વકક્ષાના શહેર તરીકે પ્રસ્થાપિત થયું છે તે માટે શહેરી સત્તાતંત્રને અભિનંદન આપ્યા હતા. છેલ્લા 25 વર્ષથી BJPના શાસનમાં અમદાવાદની આધુનિક કાયાપલટ થઇ છે. જેમાં રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની માળખાગત સુવિધાથી લઈને રિવરફ્રન્ટ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, ઘન કચરા વર્ગીકરણ અને યોગ્ય નિકાલ વ્યવસ્થા, પર્યાવરણ જાળવણી સહિતના ક્ષેત્રોમાં અમદાવાદ મહાપાલિકાએ સુઆયોજિત વ્યવસ્થાપન કર્યુ છે. સાથે જ પર્યાવરણ, પાણી, પ્રકાશ તમામ ચિંતા કરીને જનસુખાકારી વધારી છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે, રાજ્યના શહેરી વિકાસ વિભાગે પણ અદ્યતન શહેરી વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ પર્યાવરણ જાળવણી વગેરેનું ધ્યાન રાખીને સંતુલિત વિકાસની ચિંતા કરી છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં કામો વિલંબમાં પડતા અને ખાતમૂર્હત થાય પછી વરસો સુધી સ્થિતિ ઠેરની ઠેર રહેતી પથરા એમને એમ પડયા રહેતા તેવી સ્થિતિ હતી તેવી મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી હતી.
BJPએ સમયબદ્ધ, ગુણવત્તાયુકત અને સમય કરતા વહેલા કામો પૂરાં કરવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે. જેના ભૂમિપૂજન અમે કરીએ, તેના લોકાર્પણ અમે જ કરીએ એવો અમારો મંત્ર છે.

આ ઉપરાંત મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે લાભાર્થીઓ સાથે ટેલિફોનિક સંવાદ કરીને આવાસ મળવાથી તેમના પારિવારીક જીવનમાં આવેલા પરિવર્તન અને સુખની લાગણી જાણી હતી. આ પ્રસંગે મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ અમદાવાદના મેયર બિજલ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઇ ભટ્ટ, કમિશનર મુકેશકુમાર ગાંધીનગરમાં અને અમદાવાદ મહાનગરમાં આ વિકાસ કામોના સ્થળોએ સાંસદ કિરીટભાઇ સોલંકી, એચ. એસ. પટેલ, અમદાવાદ શહેર-જિલ્લાના ધારાસભ્યો તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.