//

વંદે ભારત મિશન: એરઈન્ડિયાની ફ્લાઈટમાં 19 ભારતીયો કોરોનાથી સંક્રમિત

કોરોના વાઇરસના સંક્રમણના પગલે દેશ દ્વારા ચાલી રહેલા “વંદે ભારત મિશન” અંતર્ગત નવી દિલ્હીથી ચીનના વુહાન પહોંચેલા 19 ભારતીય પેસેન્જરની તપાસ કરવામાં આવતા તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ મુસાફરોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

એર ઈન્ડિયાના કર્મચારીના જણાવ્યાં અનુસાર, 30 ઓક્ટોબરના રોજ ભારતથી ચીનના વુહાન જવા માટે ઉપડેલી વંદે ભારત મિશનની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 19 મુસાફરો ચીનના વુહાન શહેરમાં કોરોનાથી સંક્રમિત મળી આવ્યાં છે. આ તમામ પેસેન્જર્સને કોરોના રિપોર્ટ નેગેટિવ જોયા બાદ જ પ્લેનમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરથી જ થઈ હતી. કોરોના વાઇરસના પગલે ભારતે માર્ચ મહિનાથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર રોક લગાવી દીધી હતી. જે બાદ મે મહિનામાં વંદે ભારત મિશનનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે વિશેષ ફ્લાઈટો શરૂ કરાઈ હતી. આ મિશન અંતર્ગત અત્યાર સુધી 20 લાખથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.

ભારતે ચીન માટે 13 નવેમ્બરથી વધુ 4 ફ્લાઈટો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ત્રણ ફ્લાઈટો 13, 20 અને 27 નવેમ્બરે, જ્યારે એક ફ્લાઈટ 4 ડિસેમ્બરે ઉપડશે. જેનું ભાડુ એર ઈન્ડિયા નક્કી કરશે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા મુસાફરોએ તકેદારીના ભાગરૂપે જાહેર કરવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહશે. એટલું જ નહીં, મુસાફરોએ યાત્રા પહેલા કોરોના ટેસ્ટ પણ કરાવવોનો રહેશે.

Leave a Reply

Your email address will not be published.