///

મની ટ્રાન્સફર, બિલ પે જેવી સર્વિસ આપતી EasyPay કંપની સાથે 19 લાખની છેતરપિંડી

EasyPay મની ટ્રાન્સફર, બિલ પે, આધાર કાર્ડ માટે ચૂકવણી જેવી સર્વિસ આપે છે. એવામાં EasyPay કંપની સાથે જ રૂ.19 લાખની ઠગાઈ થયાનો કિસ્સો સામે આવ્યો છે. સાથે જ આ અંગે કંપનીના મેનેજરે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 91 ગ્રાહકોના ખાતામાંથી રૂ.19 લાખની રકમ ઠગોએ સેરવી લીધી છે. આ અંગે બેંકોએ કંપનીને મેઈલ કરી જાણ કરતા ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદ શહેરમાં એસ.જી.હાઈવે પર રાજપથ કલબ સામે રંગીન પાર્ક સોસાયટીમાં આવેલી EasyPay પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જનરલ મેનેજર ફાઈનાન્સ તરીકે છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ભાગ્યવંતસિંહ સોઢા કાવેરી સંગમ શીલજ સર્કલ ખાતે રહે છે. ધર્મેન્દ્રસિંહએ સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓની કંપની ICICI અને YES બેંકની ઓથોરાઈઝ બિઝનેસ કોરસપોન્ડન્ટ પાર્ટનર છે. આ બન્ને બેંક દ્વારા ફરિયાદીની EasyPay કંપની જુદા-જુદા શહેરોમાં ડિસ્ટ્રીબ્યુટર અને એજન્ટ બનાવી મની ટ્રાન્સફર, આધાર કાર્ડ દ્વારા ચુકવણી, બિલ પે જેવી વિવિધ સેવાઓ ગ્રાહકોને આપે છે.

EasyPayના એજન્ટનું કામ કંપનીની સેવાઓ ગ્રાહકો સુધી પહોંચતી કરવાનું છે. જે પ્રમાણે ગ્રાહકને રોકડની જરૂરિયાત હોય તો એજન્ટ રોકડ રકમ ચૂકવે છે. તે પહેલાં ગ્રાહકનો આધાર નંબર અને ફિંગર પ્રીન્ટ લઈ એજન્ટ ગ્રાહકનું જે બેંક એકાઉન્ટ હોય તેણે EasyPayના એકાઉન્ટમાં લે છે. જોકે EasyPay કંપનીનું સર્વર કલાઉડ હોસ્ટ મુંબઈ ખાતે છે. જેમાં EasyPay એપ્લિકેશન યુઝર્સના આઈપીલોગ, ડિવાઇસના IMEI, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, Lat Long, ડિવાઇસ મોડલ, ટ્રાન્ઝેકશનની તારીખ, સમય, RRN NO, એમાઉન્ટની માહિતીનો ડેટા સેવ થાય છે.

ત્યારે ગત તા. 31-10-2020ના રોજ ICICIએ ફરિયાદીની કંપનીને જાણ કરી કે, તમારા EasyPayના એજન્ટે બેંકના ગ્રાહક સાથે રૂ.20 હજારની ઠગાઈ આચરી છે. ગ્રાહકે પોતાનો આધાર નંબર કે બાયોમેટ્રિક ફિંગરપ્રીન્ટ કોઈ જગ્યાએ આપી ન હોવા છતાં EasyPay દ્વારા તેની સાથે ઠગાઈ થઈ છે. જેના પગલે EasyPay કંપનીએ જે-તે એજન્ટને બ્લોક કરી દીધો હતો. તે પછી પણ કંપનીને અલગ-અલગ બેંકો તરફથી મેઈલ મળ્યા જેમાં કેટલાક ગ્રાહકોને EasyPay દ્વારા ભોગ બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત EasyPayની પાર્ટનર બેંકો ICICI અને YES બેંકે 91 જેટલા ગ્રાહકોએ કોઈ જગ્યાએ પોતાનો આધારકાર્ડ નંબર કે બાયોમેટ્રિક પ્રિન્ટ ના આપી હોવા છતાં કુલ રૂ.18,94,500ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ બેંકોની ફરિયાદને પગલે EasyPay કંપનીના ફાઈનાન્સ મેનેજર ધર્મેન્દ્રસિંહે સાયબર સેલમાં તપાસ થવા સારૂ લેખિત અરજી આપી હતી. જે અંગે સાયબર સેલએ મંગળવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.