///

ગીરના જંગલમાં સિંહોની પજવણી કરનાર 1 સગીર સહિત 2 લોકોની ધરપકડ

ગીરના જંગલમાં વસતા એશિયાટીક સિંહની પજવણીના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ગીરમાં જંગલમાં બાઈક પર બેસીને સિંહોની પજવણી કરનાર એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં ગીરના વન વિસ્તારમાં સિંહ બાળ પાછળ બાઈક દોડાવીને મોટા અવાજે હોર્ન વગાડીને તેની પજવણી કરાતી હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં એશિયાટીક સિંહે શિડ્યૂલ વન હેઠળ આવતા પ્રાણી છે અને ગીર તેમનો કુદરતી વસવાટ છે. આથી અહીં સિંહોની પજવણી કાયદેસરનો ગુનો બને છે.

સિંહની પજવણીનો આ વીડિયો વાયરલ થતાં વન વિભાગે પણ તેની ગંભીરતાની નોંધ લીધી હતી. આ અંગે જૂનાગઢ જિલ્લાના મુખ્ય વન અધિકારી ડીટી વસાવડાએ વીડિયો અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં આ વીડિયો ગીરના તુલસીશ્યામ રેન્જના ગઢીયા ગામનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં બે સ્થાનિકોએ સિંહની પજવણીનો વીડિયો બનાવ્યો છે. જેમાં એક યુવકની ઓળખ યુનુસ પઠાણ તરીકે થઈ છે, જ્યારે અન્ય સગીર વયનો હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને પગલે હાલ વન્યજીવ સંરક્ષણ કાયદા અંતર્ગત બન્નેની ધરપકડ કરી પઠાણને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને જ્યૂડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે સગીર પર હવે પગલા લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.