///

ગાંધીનગરના કલોલમાં બ્લાસ્ટથી બે મકાન ધરાશાયી, 2ના મોત

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આવેલા કલોલ તાલુકાના પંચવટી વિસ્તારમાં વહેલી સવારે બ્લાસ્ટ થતા બે મકાનો ધરાશાયી થઈ ગયા છે. ત્યારે આ ઘટના પાછળનું મુખ્ય કારણ સોસાયટીની અંદરથી પસાર થઈ રહેલી ONGCની ગેસ પાઈપલાઈનમાં વિસ્ફોટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જિલ્લાના કલોલના પંચવટીમાં ગાર્ડન સિટી વિસ્તારમાં આજે વહેલી સવારે ધડાકાભેર વિસ્ફોટ થયા હતા. આ બ્લાસ્ટ એટલા ભયાનક હતા કે, તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ બ્લાસ્ટના પગલે બે મકાનો ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે આસપાસના અનેક મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.

સમગ્ર વિસ્તારમાં મોટા વિસ્ફોટ થવાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 અન્ય લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાનું કારણ સોસાયટીમાં નીચેથી પસાર થઈ રહેલી ONGCની ગેસ લાઈનમાં બ્લાસ્ટ માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર બ્લાસ્ટના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યું છે.

આ અંગે IGP ગાંધીનગર રેન્જના અભય ચૂડાસમાએ જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે, ગેસ ગળતરના કારણે ONGCની પાઈપલાઈન ફાટ્યા બાદ બે મકાનો જમીનદોસ્ત થઈ ગયા હશે. હાલ નિષ્ણાંતો ચોક્કસ કારણની તપાસ કરી રહ્યાં છે.

ત્યારે કલોલમાં બનેલી દુર્ઘટના અંગે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી ઘટનાની માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી. સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published.