દેશ સહિત વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમિતોનો આંકડો 4 કરોડને પાર પહોંચ્યો છે. જેમાં અત્યારસુધીમાં 3 કરોડ દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમણથી અત્યારસુધીમાં 11.15 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. જેમાં અમેરીકામાં 86 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 2.28 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે.
નવા કેસ મુખ્યત્વે ફ્લોરિડા, ન્યૂ જર્સી, કેલિફોર્નિયા રાજ્યોમાં વધુ જોવા મળ્યા છે. મહત્વનું છે કે પ્રમુખપદની ચૂંટણી હવે માત્ર બે સપ્તાહ દૂર છે, તેવામાં વધતા કેસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
યુરોપિયન દેશમાં પણ કોરોનાનો રાફળો
યુરોપિયન દેશોમાં પણ સંક્રમણ વધ્યુ છે. જેમાં ફ્રાંસમાં સૌથી વધુ મુશ્કેલી છે. અહીં ત્રણ સપ્તાહમાં લગભગ ચાર લાખ નવા સંક્રમિત મળી આવ્યા છે. સ્થિતિ એ તક પર આવી છે કે હોસ્પિટલોમાં 70 ટકા આઈસીયુ ફુલ છે. જેમાં એવુ પ્રથમવાર જોવા મળી રહ્યું છે કે યુવાનો પણ વાઇરસની ઝપટમાં આવી રહ્યા છે.
પેરિસ સહિત દેશનાં કેટલાક શહેરોમાં તો રાતના જ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. ચેક રિપબ્લિક, બેલ્જિયમ, જર્મની, ઈટાલી અને નેધરલેન્ડ્સમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈટલી સરકારે સ્પષ્ટ કર્યું છે કે સ્થિતિને કાબૂમાં લેવા માટે દરેક પ્રકારના ઉપાય કરવામાં આવશે. સરકારે લોકોનો પણ સહયોગ માગ્યો છે.