///

અમદાવાદ : તોડફોડ કેસમાં પિતરાઈ ભાઈને મારવા માટે યુવકે 8 લોકોને મોકલ્યા, 3 શખ્સોની ધરપકડ

અમદાવાદમાં આવેલા શાહીબાગમાં હોળી ચકલા પાસે આઠ જેટલા વાહનોમાં તોડફોડ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરનારા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જોકે મહત્વનું છે કે, અંગત અદાવતમાં યુવકે પોતાના જ પિતરાઈ ભાઈને મારવા માટે 8 લોકોને મોકલ્યા હતા. જો કે, યુવક ન મળતા તેના ઘરની આસપાસમાં ઉભા વાહનોમાં તોડફોડ કરી હોવાનું ખુલ્યું છે.

પ્રદીપ ઉર્ફે પંકજ અને જીગ્નેશ ઉર્ફે જીગો આ બંને યુવકોની ઉંમર નાની દેખાય છે પરંતુ તેઓની ગુનાહિત પ્રવૃત્તિ ઘણી મોટી છે. 19 મી જૂને રાતના સમયે શાહીબાગના હોળી ચકલા પાસે આ યુવકોએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને અનેક વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભયનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જે ગુનામાં શાહીબાગ પોલીસે બે જ્યારે મેઘાણીનગર પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે.

આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરતા સામે આવ્યું હતું કે, પ્રદીપ નામના આરોપીને પોતાના પિતરાઈ ભાઈ ટાઇગર સાથે પારિવારિક ઝઘડો ચાલતો હતો. જેથી પ્રદીપે પોતાના 8 મિત્રોને હથિયાર સાથે ટાઈગરના ઘરે જઈને માર મારવાનું કહ્યું હતું.

જેથી તમામ આરોપીઓ હાથમાં દંડા, તલવાર અને લાકડીઓ લઈને હોળી ચકલા પાસે ટાઈગરના ઘરે ગયા હતા. જોકે ટાઈગર ઘરે ન મળતા તેના ઘરે ભયનો માહોલ ઉભો કરવા માટે આસપાસ ઉભેલા 8 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. આ શખ્સો ચાઈના ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સ્થાનિકો માની રહ્યા હતા.

જોકે પોલીસ તપાસમાં ચાઈના ગેંગ સાથે આ આરોપીઓનું કોઈ કનેક્શન ન હોવાનું ખુલ્યું છે. હાલ તો આ મામલે શાહીબાગ અને મેઘાણીનગર બે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે અન્ય ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.