////

જામનગર : માલવાહક વાહને ટક્કર મારતા 3 પદયાત્રીઓના મોત

જામનગર નજીક મોરકંડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માલવાહક વાહને રસ્તા પરથી પસાર થઈ રહેલા પદયાત્રીઓને અડફેટે લેતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં જ દોડી આવી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પદયાત્રીઓ મોરબી નજીક મચ્છુ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યા હતાં. ત્યારે માલવાહક વાહને અડફેટે લેતાં ફંગોળાયા હતાં. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી માલવાહક વાહનના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ત્રણેય મૃતક સોનવાડિયા ગામના રહેવાસી હોવાથી નાના એવા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.