////

મહેબૂબા મુફ્તીના નિવેદનથી નારાજ PDPના 3 નેતાઓએ આપ્યું રાજીનામું

હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કરાયેલા મહેબૂબા મૂફ્તીના નિવેદનથી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ નેતાઓએ નારાજ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. આ નેતાઓનું કહેવું છે કે, મેહબૂબાના આ પ્રકારના નિવેદનથી તેમની દેશભક્તિની લાગણી દુભાઈ છે. PDPના નેતા ટીએસ બાજવા, વેદ મહાજન અને હુસૈન એ વફાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેમજ પાર્ટીના અધ્યક્ષ મેહબૂબા મુફ્તીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ તેમના કાર્યો અને અનિચ્છનિય નિવેદનોની અસહજતા અનુભવી રહ્યાં છે.

જોકે હકીકતમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, અમે રાષ્ટ્રધ્વજ તિરંગાને ત્યાં સુધી ક્યારેય હાથમાં નહીં પકડીએ, જ્યાં સુધી અમને અમારા રાજ્યનો ધ્વજ પાછો નહીં મળે. રાષ્ટ્રધ્વજ માત્ર આ ધ્વજ અને સંવિધાનના કારણે છે. અમે આ ધ્વજના કારણે જ દેશના અન્ય ભાગો સાથે જોડાયેલા છીએ.

આ નિવેદનને લઈને ભાજપના કાર્યકર્તાઓએ PDPના જમ્મુ કાર્યાલય પર તિરંગો ફરકાવ્યો હતો. સેંકડોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અહીં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને એકઠા થયા હતા અને જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી PDP ચીફ મેહબૂબા મુફ્તીના નિવેદનનો વિરોધ કરી રહ્યાં હતા. સાથે જ ભાજપ કાર્યકર્તાઓ સુત્રોચાર કરતા બપોરે PDP કાર્યાલય પહોંચ્યા. જેમાંથી કેટલાક PDPના ઝંડા વાળા થાંભલા પર ચડી ગયા અને પોલ પર રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.