///

મહેસાણા: દુલ્હનની હાથની મહેંદી પણ ઉતરી ન હતી, ત્યાં શિક્ષક પતિના મોતના સમાચાર આવ્યા

ગઈકાલે મહેસાણાના પાંચોટ તળાવમાં વહેલી સવારે એક કાર ખાબકી હતી. જેમાં કારમાં સવાર 3 શિક્ષકોના મોત નિપજ્યા હતા. જેમાં એક મહિલા અને 2 પુરુષ શિક્ષકો મહેસાણાથી નોકરી માટે નીકળ્યા હતા. ત્યારે ગાડી વચ્ચે કૂતરું આવતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર તળાવમાં ખાબકી હતી. જેમાં એક શિક્ષકના હજી 13 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. ત્યારે તેમની પત્નીના હાથની મહેંદી હજુ તો ઉતરી પણ ન હતી, ત્યાં શિક્ષક પતિના મોતના સમાચાર આવતા નવોઢાના સપના રોળાયા હતા.

ક્રેનની મદદથી એક કલાકની જહેમત બાદ તળાવમાંથી બહાર કઢાયેલી કારમાંથી ત્રણે શિક્ષકોનાં મૃતદેહો જોઇને પરિવારજનોનાં હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ઘટનામાં મહેસાણાના શિક્ષિકા સ્મિતાબેન જનસારી, બાસણાના વિપુલ ચૌધરી અને વીસનગરના આનંદ પરમારનું મોત નિપજ્યું હતું. એક કલાકની ભારે જહેમત બાદ ત્રણેય શિક્ષકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ત્રણેય શિક્ષકોમાંથી એક આનંદ પરમારના લગ્ન હજી 13 દિવસ પહેલા જ થયા હતા. 10 ડિસેમ્બરના રોજ તેમના લગ્ન થયા હતા. ત્યારે તેમની પત્ની પતિના મોતના સમાચારથી હેબતાઈ ગયા હતા.

તો શિક્ષક વિપુલ ચૌધરીને પણ બે નાના પુત્રો હતા, જેઓ પિતાના મૃતહેને જોઈને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. જ્યારે સ્મિતાબેનના પતિ પણ પત્નીના મૃતદેહને જોઈને આઘાતમાં સરી પડ્યા હતા. રસ્તામાં જ તેઓની પત્ની સાથે વાત ચાલી રહી હતી ત્યારે જ અકસ્માત સર્જાયો હતો. ફોન કટ થઈ જતા તેઓને કંઈક અઘટિત થયાનું અનુભવાયું હતું. જેથી તેઓએ બીજી ગાડીમાં જઈ રહેલા અન્ય એક શિક્ષકનો સંપર્ક કર્યો હતો. જેના બાદ તેઓને પત્નીના મોતના સમાચાર મળ્યા હતા. મહેસાણાના ત્રણ શિક્ષકોના મોતના પગલે ડેપ્યુટી CM નીતિન પટેલે ટ્વીટ કરીને દુખની લાગણી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણાથી ત્રણ શિક્ષકો કારમાં નોકરી પર જવા નીકળ્યા હતાં. તે દરમિયાન વહેલી સવારે ચાણસ્મા રોડ પર આવેલા પાંચોટ નજીક એક કૂતરુ રસ્તા પર વચ્ચે આવ્યું હતું. જેથી કૂતરાને બચાવવા જતાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર નજીકમાં આવેલા તળાવમાં ખાબકી હતી. જેના પરિણામે કારમાં સવાર ત્રણ એક મહિલા અને બે પુરુષોના મોત નિપજ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.