
પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવામાં સમર્થ ભગવાન શ્રીહરિએ અભયરાજાના રાજદરબારમાં રમણીય મંદિરમાં શ્રીરાધીકાએ સહિત ભગવાન શ્રી વાસુદેવની શાસ્ત્રવિધિ અનુસાર સ્થાપના કરી. આ પ્રતિષ્ઠાવિધિમાં મોટો ઉત્સવ ઉજવ્યો. હે રાજન્ ! અભયરાજાએ તે વાસુદેવનારાયણની યથાયોગ્ય પ્રતિદિન સેવા પૂજા થાય તે માટે સ્વભાવથી સરળ એવા ભગવદ્ભક્ત શ્રીબેચરવિપ્રની આજીવિકા આપી પૂજારી તરીકેની નિયુક્તિ કરી. બ્રાહ્મણ શ્રેષ્ઠ બેચરવિપ્ર પણ શ્રીવાસુદેવનારાયણ ભગવાનની સમયને અનુસારે પાંચે વખત સ્નેહપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યા. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ શ્રી વાસુદેવ નારાયણની મુર્તિ શ્રીહરિના સંકલ્પથી શ્ર્વેતદિપના મુકતો લાવેલા તે પ્રથમ દરબારગઢમાં પધરાવી હતી પછી મંદિરમાં અહિં ધર્મપિતા ત્થા ભકિતમાતાની મૂર્તિની સાથે શ્રીજી મહારાજે સ્વહસ્તે પધરાવી છે