////

રાજ્યમાંથી વધુ એક Remdesivir ની કાળા બજારી ઝડપાઇ, 4 આરોપી ઝબ્બે

રાજ્યમાં કોરોનાનો કહેર છે તો દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડિસિવીર ઇન્જેકશનનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. ત્યારે જ અમદાવાદમાં જ રેમડિસિવીર ઇન્જેકશનની કાળા બજારી કરતા ચાર આરોપીઓની ચાર ઇન્જેકશન સાથે રામોલ પોલીસે ઝડપી પાડયા છે.

બાતમીના આધારે શશાંક જયસવાલ, નિલ જયસવાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવરને પોલીસે પકડી પાડ્યા હતા. રામોલ પોલીસને બાતમી મળી હતી કે કોરોના કાળમાં રામબાણ સમાન રેમડિસિવીર ઇન્જેકશનના કાળા બજાર થઈ રહ્યા છે. આ બાતમીના આધારે રામોલ પોલીસે છટકુ ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચાર આરોપીઓ ચાર ઇન્જેકશન સાથે ઝડપી પાડ્યા હતા.

આ ચારેય યુવાનોમાંથી ઇન્જેકશન ખરીદનાર બે આરોપીઓ શશાંક અને નિલએ હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેકશન મેળવ્યા હતા. શશાંક અને નિલ બને રૂપિયા 26 હજારમાં વિકાસ અને પ્રવીણને વેચવાના હતા. ત્યારે વિકાસ અને પ્રવીણ 26 હજારની ઉપર પોતાની રકમ નક્કી કરી આશરે 30 થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા, ત્યારે રામોલ પોલીસની તપાસ હાલ એ ચાલી રહી છે કે શશાંક અને નિલને ઇન્જેકશન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે અને કઈ હોસ્પિટલનો સ્ટાફ છે.

આ સમગ્ર તપાસને લઇને રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ એ ઇન્જેક્શન છે કે જે દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇન્જેકશન મેળવી કાળા બજારી કરવામાં આવી રહી હતી.

એટલે કે જ્યારે પણ કોરોના દર્દીને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય છે. ત્યારે જરૂરિયાત પ્રમાણે રેમડિસિવીર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે અને વધેલા ઇન્જેકશન દર્દીઓએ મેડિકલ અથવા ડોક્ટરને જમા કરાવવાના હોય છે પણ હોસ્પિટલના કર્મચારીઓએ જમા ન કરાવી કાળા બજારી કરવાનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.