/

રાજ્યમાં દિવાળીએ જ આગની 4 ઘટનાઓ

રાજ્યમાં દિવાળીના પર્વ સમયે અકસ્માતોની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. જેમાં આગના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં દિવાળીની રાત્રે ચાર સ્થળો પર આગની ઘટના સામે આવી હતી. આ આગની ઘટનામાં અમદાવાદ, વલસાડ, ગોધરા અને સુરતમાં દુર્ઘટનાઓ સર્જાઈ હતી. જોકે, આ ઘટનાઓમાં રાત્રિનો સમય હોવાથી અને ખાસ કરીને દિવાળીની રજાના માહોલના પગલે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઇડીસીમાં એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. અડધી રાત્રે ઉમરગામ જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. કેમિકલ્સ કંપનીમાં કેમિકલ બનતું હોવાથી તૈયાર અને કાચો સામાન મોટી માત્રામાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપની નો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઉમરગામની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતાં.

આ ઉપરાંત ગોધરા શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા ઝૂલેલાલ મંદિર પાસે કાપડની દુકાનમાં આગની ઘટના સામે આવી હતી. નગરપાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવતા આગ કાબુમા આવી હતી. પરંતુ લાખો રૂપિયાની કિંમતનો કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.

સુરતમાં લસકાણા વિસ્તારમાં આવેલા જલારામ સ્ટીલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.

આ ઉપરાંત અમદાવાદ ઇન્કમટેક્સમાં આવેલા હરસિદ્ધી ચેમ્બરમાં આગ લાગી હતી. અહીં એક રેફ્રીજરેટર રિપેરીંગની દુકાનમાં આગ લાગી હતી. જોકે, સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા આગને કાબુ લઇ લીઘી હતી.

Leave a Reply

Your email address will not be published.