///

સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કાર સળગતા 7 લોકો જીવતા ભુંજાયા

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં એક બાદ એક સતત અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 7 લોકો મોતને ભેટ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તાલુકાના ખેરવા ગામ નજીક વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ઈક્કો કારમાં અચાનક આગ ફાટી નીકળતા કારમાં સવાર 7 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ચોટીલા દર્શન કરીને પરત ફરતાં પાટણ જિલ્લાના વારાહી અને રાધનપુર તાલુકાના દર્શનાર્થીઓની ઈકો કારનો ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. કારમાં સવાર દર્શનાર્થીઓ બહાર ન નીકળી શકતા આગમાં જ ભડથું થઈ ગયા હતા. આ અકસ્માતમાં બે પરિવાર બળીને ભડથું થઈ ગયા હતા. જેને કારણે તમામના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા.

આ ઘટના સવારે સાડાપાંચ વાગ્યે માલવણ-ખેરવા હાઈવે પર ઈકો કાર જીજે 24 એક્સ 1657 ઘરે પરત ફરતી વેળા ડમ્પર જીજે 33 ટી 5959 સાથે ટકરાતાં કાર ખાડામાં ઊતરી ગઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ભભૂકી ઊઠતા કારમાંથી બેસેલા ડ્રાઈવર સહિતના તમામ 7 લોકો બળીને ભડથું થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.