રાજ્યમાં કોરોના કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. એવામાં અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ કોરોના સામે ફ્રન્ટ લાઈન ફાઈટ કરી રહેલા ડૉક્ટરો સહિતના મેડિકલ સ્ટાફને વધારે રહે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ 5 તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.
અગાઉ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. ત્યારે તાજેતરમાં સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગ સહિત અન્ય વિભાગ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થયા હતા.
સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી કરી રહેલા 5 તબીબો કોરોની ઝપેટમાં આવ્યા છે. હાલ આ તમામ ડૉક્ટરોને સિવિલ હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરો અને નર્સો સહિત 462 મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ ડૉક્ટરોની પણ અછત સર્જાઈ રહી છે. જેના પગલે કોરોના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાંથી ડૉક્ટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ લઈ આવવામાં આવ્યા છે