/

રાજ્યમાં અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત

રાજ્યમાં દિવાળીના તહેવારોના સમયમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. રાજ્યમાં ફક્ત બે દિવસની અંદર જ અલગ-અલગ અકસ્માતમાં 23 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં આજે અમદાવાદ, સુરત તેમજ જામનગરના બનેલા અકસ્માતમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં આવેલા નહેરૂબ્રિજ પર કાર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્ંયુ હતું. નેહરૂ બ્રિજ પર સાયકલને ટક્કર મારી કાર ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઇ ગયો હતો. આ કાર વડીલ સુખાકારી યોજનાની હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

તો બીજી બાજુ જામનગર-ખંભાળિયા હાઇવે પર અકસ્માતમાં 2 મહિલાના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેમાં જામનગર-ખંભાળિયા વચ્ચે ખાટિયા પાટિયા પાસે કાર પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ કારમાં 5 લોકો સવાર હતા જેમાંથી 2 મહિલાઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બન્નેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કાર ચાલક સહિત 3 પુરૂષને ગંભીર ઇજા થતા તેમણે સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ભોગ બનેલો પરિવાર દ્વારકાનો આહીર પરિવાર હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત સુરતમાં નંદાવ પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકો કાળનો કોળિયો બન્યા હતા. સુરતમાં નેશનલ હાઇવે 48 કોસંબાના નંદાવ પાટિયા નજીક પણ અકસ્માત સર્જાયો હતો. મુંબઇથી અમદાવાદ તરફના માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે સામેના ટ્રેક પરથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

રાજ્યમાં ગઈકાલે બુધવાર ગોઝાકો સાબિત થયો હતો. ગઈકાલે રાજ્યમાં 3 અલગ-અલગ અકસ્માતની ઘટનામાં 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં વડોદરાના વાઘોડિયા હાઇવે પર આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 12 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરના લખતર હાઇવે પર કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત આણંદમાં પણ ઝાડ સાથે કાર અથડાતા 2 લોકોના મોત થયા હતા. આ રીતે રાજ્યમાં બુધવારે એક જ દિવસે ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનામાં 18 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.