////

અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના 52 વૃદ્ધોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે, ત્યારે કોરોનાનું જોખમ સિનિયર સિટીઝનને વધુ હોય છે, ત્યારે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં 52 જેટલાં વૃદ્ધોએ કોરોનાને માત આપી વૃદ્ધાશ્રમમાં જ પોતાનું જીવન શરૂ કર્યું છે. હાલ આ વૃદ્ધાશ્રમમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી. જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના 52 વૃદ્ધોએ કોરોનાને માત આપી વૃદ્ધાશ્રમમાં પરત ફર્યા છે.

ઓક્ટોબર મહિનામાં વૃદ્ધાશ્રમમાં કોરોનાના કેસ આવવાના શરૂ થયા હતા. જે બાદ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સુકેતુભાઈ નાગર વાડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી વૃદ્ધાશ્રમના દરેક વૃદ્ધનો કોરોના ટેસ્ટ વૃદ્ધાશ્રમમાં જ કરવા માટેની માંગણી કરી હતી.

ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃદ્ધાશ્રમમાં જ કોરોનાનો કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં 52 વૃદ્ધો તેમજ 3 રસોઈયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી દ્વારા AMCને કહેવામાં આવ્યું કે, અમારા આશ્રમના તમામ વૃદ્ધોને ખાનગી હોસ્પિટલમાં જ રાખવામાં આવે. AMCએ તેમની માંગણી સ્વીકારીને દરેક વૃદ્ધોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધોની તબિયત સુધરતી ગઈ વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં પરત મોકલવામાં આવી રહ્યા હતા.

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ હોસ્પિટલમાંથી આવે તરત જ તેમને વૃદ્ધાશ્રમમાં આવેલ ફિઝિયોથેરાપી સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવતા હતા. જે બાદ જ તેમને વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા હતા. જ્યારથી કોરોના શરૂ થયો, ત્યારથી વૃદ્ધાશ્રમમાં બહારના કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવતી ન હતી, પરંતુ વૃદ્ધાશ્રમમાં ક્લાર્ક બહાર અવર-જવર કરતા હતા. વૃદ્ધાશ્રમના ક્લાર્કનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ વૃદ્ધાશ્રમમાં અલગ-અલગ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.