///

રાજ્યમાં અમદાવાદ સહિત 6 મનપાની ટર્મ થઈ પૂર્ણ, આજથી કમિશ્નરની સત્તા

રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટાયેલી પાંખોની મુદ્દત ગઈકાલે રવિવારે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે આ તમામ મ્યુન્સિપલ કોર્પોરેશનની સત્તા કમિશ્નરના હાથમાં સોંપવામાં આવશે. જો કે મ્યુન્સિપલ કમિશ્નર રૂટિન કામગીરી કરી શકશે. તેઓ કોઈ નીતિ વિષયક નિર્ણયો લઈ નહી શકે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની જામનગર, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગર પાલિકાની સત્તા આજથી હાલના મ્યુન્સિપલ કમિશ્નરના હસ્તક જતી રહેશે. જ્યારે રવિવારે રાત્રે 12 વાગ્યા બાદ 6 મહાનગર પાલિકાઓના મેયરો, ડેપ્યુટી મેયરો અને કોર્પોરેટરોનું રાજ પૂરૂ થઈ ગયું છે.

મહત્વનું છે કે, ચૂંટાયેલા પદાધિકારીઓની મુદ્દત 13 ડિસેમ્બરની રાતે 12 વાગ્યે પૂરી થઈ ગઈ છે. આથી આજથી આ પદાધિકારીઓ પ્રજાના ખર્ચે મળેલી કાર, એરકન્ડિશન્ડ ઓફિસો અને ફોન વગેરે તમામ સુવિધા પરત કરવાની રહેશે. સાથે જ આજથી આ પદાધિકારીઓ તેમના લેટરહેડ પણ વાપરી શકશે નહીં.

રાજ્યમાં કોરોના મહામારીને પગલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 3 મહિના પાછળ ધકેલવાની ફરજ પડી છે. અગાઉ રાજ્યના ચૂંટણી પંચે નવેમ્બર મહિનામાં આ ચૂંટણીઓ યોજવા આયોજન કર્યુ હતું. જો કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાવાની શક્યતા છે. આથી આ 6 મનપાના કોર્પોરેટરોને ચૂકવાતું લાખો રૂપિયાનું માસિક વેતન 3 મહિના સુધી ચૂકવવું નહીં પડે.

Leave a Reply

Your email address will not be published.