///

સુરતમાં બ્રાન્ડેડ કંપનીઓની 61 લાખની નકલી ઘડિયાળો જપ્ત

સુરત શહેરમાં આવેલા મહિધરપુરા પોલીસે ભાગલ-બુંદેલવાડ વિસ્તારની એક દુકાનમાં દરોડા પાડ્યો હતો. ત્યારે આ દરોડામાં અલગ-અલગ કંપનીઓની 61 લાખ રૂપિયાની બ્રાન્ડેડ નકલી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. જ્યારે કૉપીરાઈટ એક્ટ અંતર્ગત દુકાનદાર વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે, શહેરમાં બુંદેલવાડ સ્થિત સના ટાઈમ્સની દુકાનમાં અલગ-અલગ જાણીતી બ્રાન્ડની નકલી ઘડિયાળો ગેરકાયદેસર રીતે વેચાઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે દુકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હ્યુબોલ્ટ, ટીસૌટ, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયાર, પોલિસ, સીકે, ડીજલ, લુમિનર, રોલેક્સ સહિત અલગ-અલગ 30 બ્રાન્ડની 2075 ઘડિયાળો જપ્ત કરી હતી. જેનું વેપારી પાસે કોઈ બિલ નહતું.

આ અંગે હાલ પોલીસે 61 લાખની ઘડિયાળ અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યાં છે. જ્યારે દુકાનના વેપારી વિરુદ્ધ કૉપીરાઈટ એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ અગાઉ પણ CID ક્રાઈમે આજ દુકાનના ભાજીવાલા પોળ સ્થિત ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી 3.31 કરોડની 11,031 ઘડિયાળો કબ્જે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.