////

પંજાબ : કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ 62 ધારાસભ્યોને પોતાના ઘરે એકઠા કર્યા

કોંગ્રેસ હાઈ કમાને નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. ત્યારે તાજપોશી બાદથી જ તેઓ પોતાના સમર્થકોને મળે છે. પરંતુ પ્રદેશના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે તેમની મુલાકાત હજુ થઈ શકી નથી અને અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા આ બંને વચ્ચેનો ખટરાગ હાલ શાંત થાય તેવું જણાતું નથી.

પંજાબના મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટ કરાયું છે કે, જ્યાં સુધી સિદ્ધુ માફી ન માંગે ત્યાં સુધી કોઈ મીટિંગ કરશે નહીં. આ બાજુ સિદ્ધુનું શક્તિ પ્રદર્શન સતત ચાલુ છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો નવજોત સિંહ સિદ્ધુના ઘરે ભેગા થયા. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીના ધારાસભ્યોને અમૃતસર ખાતે પોતાના ઘરે બ્રેકફાસ્ટ પર બોલાવ્યા. 62 જેટલા ધારાસભ્યો સિદ્ધુના ઘરે પહોંચ્યા.

આ તમામ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુના સમર્થકોએ સીએમ પર પલટવાર કરતા કહ્યું કે, માફી તો તેમણે માંગવી જોઈએ કારણ કે તેઓ જનતાને આપેલા વચનો પૂરા કરી શક્યા નથી. સિદ્ધુના નીકટના અને જાલંધર કેન્ટથી વિધાયક પરગટ સિંહે કહ્યું કે, કેપ્ટન અમરિન્દર સિંહ માફીની વાત કરી રહ્યા છે. પરંતુ જો કોઈએ માફી માંગવી જોઈએ તો તે સીએમ પોતે છે. જે જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે.

સીએમ અમરિન્દર સિંહે પંજાબ પ્રભારી હરીશ રાવત સામે નવજોત સિંહ સિદ્ધુ તરફથી માફી માંગવાની શરત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, સિદ્ધુએ તેમના પર કરેલા અપમાનજનક હુમલા બદલ જાહેરમાં માફી માંગે.

પંજાબમાં ચાલી રહેલા વિવાદને લઈને મુખ્યમંત્રી અમરિન્દર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે સિદ્ધુ અને અમરિન્દર સિંહ વચ્ચે થનારી બેઠકની અટકળોને ફગાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ દ્વારા અમરિન્દર સિંહને મળવા માટે સમય માંગવાની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે. કોઈ સમય માંગવામાં આવ્યો નથી. વલણમાં કોઈ ફેરફાર નથી. સીએમ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી સોશિયલ મીડિયા પર કરાયેલા અપમાનજનક હુમલા બદલ સિદ્ધુ જાહેરમાં માફી ન માંગે.

તો રવીન ઠુકરાલે તે રિપોર્ટ્સ પણ ફગાવ્યા જેમાં કહેવાયું છે કે, અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધુને છોડીને તમામ કોંગ્રેસ વિધાયકો અને સાંસદોને 21 જુલાઈએ પોતાના ઘરે જમવા બોલાવ્યા છે. રવીને ટ્વીટ કરીને કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે કેપ્ટન અમરિન્દર સિંહ 21 જુલાઈના રોજ લંચ પર તમામ વિધાયકો અને સાંસદોને બોલાવ્યા છે પરંતુ આ ખબર સંપૂર્ણ રીતે ખોટી છે. સીએમએ આવી કોઈ લંચની યોજના બનાવી નથી, કે કોઈને આમંત્રણ મોકલ્યું નથી.

મહત્વનું છે કે, તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુએ અનેકવાર કેપ્ટન અમરિન્દર સિંહ પર સીધા હુમલા કર્યા. મે મહિનામાં નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે લોકોના મુદ્દા ઉઠાવી રહેલા મંત્રી, અને સાંસદ પાર્ટીને મજબૂત કરી રહ્યા છે, પોતાના લોકતાંત્રિક કર્તવ્યોને પૂરા કરી રહ્યા છે અને પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સાચુ બોલનાર દરેક વ્યક્તિ તમારો દુશ્મન બની જાય છે.

થોડા દિવસ પહેલા જ જ્યારે પંજાબમાં અચાનક વીજળી સંકટ પેદા થયું તો નવજોત સિંહ સિદ્ધુએ અનેક ટ્વીટ કરીને પંજાબ સરકાર પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે વીજ માફિયાઓ સાથે મીલીભગત, રાજ્ય સરકારનું મોંઘા ભાવે વીજળી ખરીદવા જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.

નોંધનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુને લાંબા સમયથી હાઈ કમાન પ્રદેશ અધ્યક્ષ બનાવવા માંગતા હતા. પરંતુ કેપ્ટન અમરિન્દર સિંહ દીવાલ બનીને ઊભા હતા. તેમણે સતત સિદ્ધુને કોઈ પણ મહત્વનું પદ આપવાનો વિરોધ કર્યો. જો કે લાંબી અડચણો બાદ સિદ્ધુને આ કમાન મળી.

Leave a Reply

Your email address will not be published.