/////

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીએ કર્યો આપઘાત

કોરોનાની બીજી લહેરને કારણે ડર અને દહેશતનો માહોલ ઉભો થયો છે. રાજ્ય સહિત દેશભરમાં સ્થિતિ પહેલાં કરતા વધુ વિકટ બની છે. લોકોને સતત કોરોના થવાનો અને કોરોનાથી મોત થવાનો ડર સતાવી રહ્યો છે. કોરોના કરતા વધારે ખતરનાક આ ડર છે. ત્યારે ઘણાં લોકો આ ડરને કારણે જ મોતને ભેટી રહ્યાં છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.

રાજકોટમાં પણ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને લોકોને હોસ્પિટલોમાં જલદી જગ્યા મળતી નથી. દર્દીઓ અને તેમના સગા-વહાલાંઓ રસ્તે રઝળપાટ કરતાં નજરે પડે છે. આ સ્થિતિની વચ્ચે આજે ફરી એક જિંદગીએ મોતને વહાલું કરી લીધું. રાજકોટમાં વધુ એ કોરોનાના દર્દીની આપઘાત કર્યો હોવાની ખબર સામે આવી છે. કોરોનાથી મોતના ડરને પગલે રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કરી લીધો છે.

સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ કોરોના પોઝિટિવ દર્દીના આપઘાતના સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના ચોથા માળેથી નીચે ઝંપલાવી કોરોનાના દર્દીએ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં અન્ય દર્દીઓ અને તબીબો પણ આઘાતમાં મુકાઈ ગયા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના દર્દીના આપઘાતનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ રાજકોટ શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે અને હોમ આયસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવો બની ચૂક્યાં છે. માત્ર રાજકોટ જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોનાના દર્દીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. એક તરફ સરકાર વેક્સિનેશન અભિયાન ચલાવી રહી છે. જોકે, તેની સાથો-સાથ લોકોને મનોચિકિત્સકો દ્વારા કાઉન્સીલીંગ આપવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે. કારણ કે, બીમારી કરતા વધારે ખતરો લોકોના મન અને મગજમાં ઘર કરી ગયેલાં ડરથી છે.

Leave a Reply

Your email address will not be published.