///

અનોખા લગ્ન: વર-કન્યાએ PPE કિટ પહેરીને કર્યા લગ્ન, જૂઓ વીડિયો

કોરોના વાઈરસનો કહેર હજુ પણ યથાવત જ છે. એવામાં કોરોના મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવું એક મોટા પડકાર બની ગયો છે. કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવાના ડરથી સબંધીઓ પણ લગ્ન પ્રસંગમાં જવાનું ટાળી રહ્યાં છે. ત્યારે એવામાં રાજસ્થાનના બારાંના કેલવાડા કોવિડ સેન્ટરમાં એક યુગલે PPE કિટ પહેરીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના દિવસે જ કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ વર-કન્યા બન્નેએ PPE કિટ પહેરીને લગ્ન કર્યા હતા. હાલ આ અજીબ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ લગ્નમાં પૂજારી સિવાય માત્ર એક જ વ્યક્તિ ઉપસ્થિત છે. સાથે જ લગ્ન સમારંભમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં લગ્ન કરવા જઈ રહેલું યુગલ હવન કુંડ સામે બેઠેલું જોઈ શકાય છે, જ્યારે લગ્નની વિધિ પૂરી કરનારા પૂજારી પણ PPE કિટમાં છે. લગ્નની વિધી દરમિયાન વરરાજાએ પોતાની PPE કિટ સાથે પાઘડી પણ પહેરી હતી, જ્યારે કન્યાએ રિવાજ મુજબ ચહેરાને માસ્કથી ઢાંકી રાખ્યું હતુ અને હેન્ડ ગ્લોવ્ઝ પણ પહેર્યા હતા.

કોરોના મહામારીમાં આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને અનેક કોમેન્ટ્સ તેમજ લાઈક્સ પણ મળી રહી છે. આટલું જ નહીં, તેના પર વિવિધ પ્રકારના મીમ્સ પણ લોકો બનાવી રહ્યાં છે. નોંધનીય છે કે, રાજસ્થાનમાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 96 લાખની પાર પહોંચી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published.