////

રાજ્યના 29 શહેરમાં રાત્રિ કરફ્યૂની મુદ્દત વધારવી કે નહીં તે અંગે આજે લેવાઇ શકે છે નિર્ણય

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના સંક્રમણની સાથે સાથે મૃતકઆંક પણ વધ્યો છે. ત્યારે કોરોનાના વધી રહેલા સંકટને પગલે રાજ્યમાં પણ અન્ય રાજ્યોની જેમ લોકડાઉન લગાવવામાં આવી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં લોકડાઉનને લઇને સંકેત આપ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન અંગે સાંજે નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢમાં કોરોનાની સ્થિતિને લઇને મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળશે અને તેમાં કરર્ફ્યૂ કે લોકડાઉન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આવતીકાલે કરર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે. 29 શહેરોમાં કરર્ફ્યૂની મર્યાદા અંગે નિર્ણય લેવાઇ શકે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ પૌષ્ટિક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 12,820 દર્દીઓ સામે આવ્યા છે અને 140 દર્દીઓના મોત થયા છે. જો કે, 11,999 દર્દીો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.