
વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની ઉંચી પ્રતિમાને નિહાળવા દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ૧લી માર્ચે રવિવારે વડોદરાનાં નવાપુરામાં રહેતો એક પરિવાર પોતાની કાર લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રવાસે આવ્યા હતાં. વડોદરાના પરમાર પરિવારનાં પાંચ સભ્યો પોતાની કારમાં સ્ટેચ્યુ જોવા ગયા હતાં. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે હજી આ પરિવાર પોતાના ઘરે પરત ફર્યો નથી. જેને લઇને પરિવારના અન્ય સંબંધીએ જણાવ્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો પોતાના ભાઇએ રવિવારે સાંજે ફોન કરીને જણાવ્યુ હતુ કે, તેઓ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નીકળે છે અને થોડીવારમાં આવી જશે. જેના થોડા કલાકો બાદ પરિવાર પરત ન આવતા બધાએ ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો ફોન સ્વીચઓફ આવતો હતો. જેથી નમર્દા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગુમ થયેલા પરિવારજનોના ભાઇએ વધુમાં જણાવ્યુ કે, ગુમ થયેલ પરિવારે સાંજે ૬ વાગ્યે ફેસબુક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોટો પર અપલોડ કર્યા હતાં. પરંતુ ત્યારબાદ તેમનો કોઇ અતોપત્તો જ નથી. જેને લઇને પરિવારજનો ખૂબજ ચિંતાંમાં છે. તેમજ પોલીસ મથકમાં પરિવારના પાંચ સભ્યોની ભાળ મેળવવા ફરિયાદ દાખલ કરી છે.
વડોદરાના નવાપુરાના S.R.P ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાના પત્ની તૃપ્તી પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો ૯ વર્ષનો દીકરો તેમજ ૭ વર્ષની દાકરી સાથે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે પોતાની ફોર વ્હીલ લઇને ગયા હતાં. જેમનો ૨ દિવસથી જ કોઇ ભાળ મળતી નથી. જેથી તેમના પરિવારના અન્ય સભ્યે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કેવડીયા પોલીસે તપાસ હાથધરી હતી. પોલીસે સવારથી સાંજ સુધીનાં CCTV ફુટેજ ચેક કરતા ગુમ થયેલો પરિવાર સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ કરીને મોડી સાંજે સાડા સાત વાગ્યે ત્યાંથી પરત જવા નીકળી ગયા હતાં. સ્ટેચ્યુથી નીકળી આ પરિવાર કયાં ગયુ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે તેમજ તેમના મોબાઇલના લોકોશન પરથી તપાસ હાથધરી છે.