////

રાજ્યમાં માસ્ક વગર ફરનારા વ્યક્તિઓ પાસેથી અધધ…કરોડનો દંડ વસૂલાયો

રાજ્ય સરકારે કોરોના મહામારીને કાબૂમાં લાવવા માટે ગાઇડલાઇન બહાર પાડી છે. આ ગાઇડલાઇન પ્રમાણે જાહેરમાં થુંકવું નહીં, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા ઉપરાંત માસ્ક ફરજિયાત પહેરવા સહિતના નિયમો લાદવામાં આવ્યા છે. સાથે જ રાજ્યમાં ડિસેમ્બર-2020 સુધીમાં 23,31,068 વ્યક્તિઓ સામે માસ્ક નહીં પહેરવા બદલ 114 કરોડ 12 લાખ 79 હજાર 780 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 5,04,828 વ્યક્તિઓ પાસેથી 30,07,32,840ની રકમનો દંડ વસૂલ કરાયો છે.

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ કેટલી વ્યક્તિઓ પાસેથી કેટલી રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો તેની વિગતો વિધાનસભા પ્રશ્નોત્તરીમાં માંગવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી જવાબો આપવામાં આવ્યા છે. આ જવાબોની માહિતી સંકલિત કરીને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ માહિતી પ્રમાણે રાજ્યના મહાનગરોમાં અમદાવાદ, વડોદરા બાદ ખેડામાં સૌથી વધુ દંડની રકમ વસૂલવામાં આવી છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ વધુ છે. તેથીય વિશેષ કોરોના કેસો એક સમયે ખૂબ જ વધેલા હતા.

ત્યારે મુખ્યમંત્રીનો મત વિસ્તાર હોવાથી અમદાવાદથી ખાસ વિમાન મારફતે તબીબોની ટૂકડીને મોકલવામાં આવી હતી. ત્યાં સુધી કે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્યાં પહોંચીને કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સઘન પગલાં લેવામાં આવ્યા હતા. આમ છતાં માસ્ક વગરના દંડાયેલા વ્યકિતઓની સંખ્યા જોઇએ તો રાજકોટમાં 80,306 વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

તો સૌથી વધુ વ્યક્તિઓ દંડાયેલાની સંખ્યાની દ્દષ્ટિએ જોઇએ તો રાજકોટ 8મા સ્થાને આવતો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. રાજકોટની સરખામણીએ ખેડામાં ડબલ ગણી વ્યક્તિઓને દંડ કરવામાં આવ્યો છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હોમટાઉન સમા મહેસાણા નગરપાલિકા વિસ્તાર હોવા છતાં રાજકોટ કરતાં વધુ નાગરિકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું કોંગ્રેસે સરકાર તરફથી પાઠવવામાં આવેલા જવાબોમાંથી તારણ કાઢયું છે.

Leave a Reply

Your email address will not be published.