///

અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પાસે આવેલી BOIમાં લાગી આગ

અમદાવાદમાં આવેલા નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા પાસે આવેલી બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં સવારે 9:00 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી. આ આગની ઘટના શોર્ટ સર્કિટના કારણે થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. જોકે સવારે વર્કિંગ અવર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ લગભગ ત્રણ કલાકમાં કાબૂમાં આવી ગઈ હતી.

આ બેંકમાં સિક્યુરિટીને કારણે બારીઓ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે બેંકમાં વેન્ટિલેશન માટેનો કોઈ ઓપ્શન ન હતો. તેના કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો. સાથે જ બેંકમાં એક જ સમયે એક જ વ્યક્તિ આવી જઈ શકે તેવી પરિસ્થિતિ છે. જો વર્કિંગ અવર હોય અને આ પ્રકારે આગ લાગે તો લોકોને બહાર નીકળવામાં પણ મુશ્કેલ થઈ શકે તેમ છે.

આ ઉપરાંત આ બેંકની બાજુમાં પેટ્રોલ પંપ હોવાના કારણે ફાયર ડિપાર્ટમેન્ટ પણ પરેશાનીમાં હતું, જો આગ કાબૂમાં ન આવે તો મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હતી. જોકે ઘટના દરમિયાન ફાયરની ત્રણ ગાડીઓ ત્યાં પહોંચી ગઇ હતી અને આગને કાબૂમાં કરી લેવામાં આવી હતી.

સાથે જ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બેંકની બારીઓ ખોલવા માટે તેમજ પ્રોપર વેન્ટિલેટર્સ કરવા માટેની જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત ચાલવા માટે પણ જગ્યા કરવા માટેની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. બેંકમાં 4 ફાયર એસ્ટિગ્યુશન હતા, જે વધારવા માટે પણ અગ્નિશામક વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.