કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ સરકારનો સંશોધન પ્રસ્તાવને ગઇકાલે જ ફગાવી દીધો છે. આ સાથે જ કહ્યું કે કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત જ રહેશે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ મહાપંચાયત કરીને ત્રણ કાયદા રદ કરવા માટે આંદોલન વધુ ઉગ્ર કરવાની પણ જાહેરાત કરી છે.
ખેડૂતોએ પ્રસ્તાવ ફગાવી દીધા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે બેઠક યોજી હતી. આ બેઠકમાં ત્રણેય પ્રધાનોએ ખેડૂતોને મનાવવાની રણનીતિ પર મંથન કર્યું હતું. કહેવાય છે કે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સરકાર એકવાર ફરીથી વાતચીત માટે બોલાવી શકે છે.
ખેડૂતોનો આગામી પ્લાન
- દિલ્હીને જોડનારા તમામ રસ્તાઓ વારાફરતી બંધ કરશે
- આસપાસના રાજ્યોમાં દિલ્હી ચલો અભિયાન શરૂ કરશે
- 12 ડિસેમ્બરના રોજ દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા હાઈવે બંધ કરશે
- 12 ડિસેમ્બરે ખેડૂતો દેશભરના ટોલનાકા ફ્રી કરશે
- 14 ડિસેમ્બરે ખેડૂતો દેશના દરેક જિલ્લામાં પ્રદર્શન કરશે
- ખેડૂત ભાજપ નેતાઓ અને પાર્ટી ઓફિસોને ઘેરો કરશે
ઉલ્લેખનિય છે કે ગઇકાલે બુધવારે સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમાં કાયદામાં થનારા સંશોધનોનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારબાદ ખેડૂત સંગઠનોએ સિંઘુ બોર્ડર પર બેઠક કરીને સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરી અને તેને ફગાવી દીધો હતો.
સરકારના પ્રસ્તાવમાં ઉલ્લેખ
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કાયદામાં હજુ ખેડૂતો પાસે કોર્ટ જવાનો અધિકાર નથી, તેવામાં સરકાર તેમાં સંશોધન કરીને આ અધિકારને સામેલ કરી શકે છે.
- પ્રાઈવેટ પ્લેયર હાલ પાનકાર્ડની મદદથી કામ કરી શકે છે, પરંતુ ખેડૂતોએ રજિસ્ટ્રેશનની વાત કરી. સરકાર આ શરતને માની શકે છે.
- આ ઉપરાંત પ્રાઈવેટ પ્લેયર્સ પર કેટલાક ટેક્સની વાત પણ સરકાર માનતી જોવા મળી રહી છે.
- કિસાન નેતાઓના જણાવ્યા મુજબ અમિત શાહે MSP સિસ્ટમ અને મંડી સિસ્ટમમાં ખેડૂતોની સગવડ મુજબ કેટલાક ફેરફારની વાત કરી છે.