રાજ્યમાં ભાઈબીજના તહેવારના દિવસે જ યુવતી સાથે થયેલો છેડતીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અમદાવાદ શહેરમાં આવેલા પોશ સેટેલાઈટ વિસ્તારના રેવતી ટાવર નજીક સાંઈબાબા મંદિર નજીક રાત્રીના 9:30 વાગ્યે જાહેરમાં બન્યો હતો. જેમાં નાગાલેન્ડની 25 વર્ષીય યુવતી સાથે એક શખ્સે જાહેરમાં છેડતી કરી હતી. ત્યારબાદ યુવતીએ બૂમો પાડતા સ્થાનિક યુવકોએ આરોપીને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. યુવતીની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના સેટેલાઈટના રામદેવનગર વિસ્તારમાં હેવનપાર્ક પાસે રહેતી 25 વર્ષીય યુવતી નાગાલેન્ડની રહેવાસી છે. યુવતીની 3 વર્ષ પહેલા કચ્છના ભુજ જિલ્લાના માનકુવાના રહેવાસી યુવક સાથે સગાઈ થઈ હોવાથી તે સેટેલાઈટમાં મંગેતર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. 6 મહિનાથી યુવતી થેરાપીસ્ટ તરીકે બોડકદેવમાં થાઈ સ્પાની નોકરી કરતી હતી.
નોકરી પુરી કરી યુવતી ચાલતી ઘર તરફ આવી રહી હતી. તે દરમિયાન મોકા રેસ્ટોરન્ટથી રામદેવનગર ચાર રસ્તા તરફ જતી હતી. સાંઈબાબા મંદિર પાસે રામદેવનગર ચાર રસ્તા તરફથી આવતા યુવકે યુવતીની છેડતી કરી હતી. ત્યારબાદ યુવતીએ બૂમો પાડતા સ્થાનિક લોકોએ છેડતીખોર યુવકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.
આ અંગેની સેટેલાઈટ પોલીસ તપાસમાં છેડતી કરનાર શખ્સ વિઠ્ઠલ ગણેશ રાઠોડ હોવાનું ખુલ્યું હતું. સેટેલાઈટ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી વિઠ્ઠલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.