////

હિટ એન્ડ રન : સુરતમાં મર્સિડીઝ કારે અનેક વાહનોને અડફેટે લીધા, 1નું મોત

શહેરમાં ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. મર્સિડીઝ કારની અડફેટે સાયકલ, બાઇક અને ઓટોરિક્ષા ચડી હતી. જેમાં સાયકલ સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ચાલક મર્સિડીઝ મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતાં. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. મોડી રાત્રે ઉધના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઇવરે એક સાયકલ, એક બાઇક અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી.

આ અકસ્માતમાં ગાડીની અડફેટે ચડેલા સાયકલ સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગે માહિતી મળતા જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 108ની મદદથી અન્ય ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જો કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. જો કે ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને તે સારી રીતે ચાલી પણ શકતો નહોતો તેવી સ્થિતીમાં તે ગાડી ચલાવી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ સ્થાનિકો મોટા પ્રમાણમાં ગાડીની આસપાસ એકત્ર થઇ ગયા હતાં. અનેક લોકોએ ગાડીમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળા વિખેરીને ગુનો નોંધ્યો હતો. ગાડીના નંબરના આધારે તપાસ ચાલુ કરી છે. ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ચાલકને ઝડપી લેવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.