////

અમદાવાદ વોડાફોન હાઉસમાંથી 76 લેપટોપ ચોરી થયા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઇ

વોડાફોન હાઉસમાંથી 19 લાખની કિંમતના લેપટોપની ચોરી થયાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજરે નોંધાવી છે. આ તકે સરખેજ એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં થયેલી ચોરી અંગે કંપનીના કર્મચારીનો હાથ હોવાની આશંકા ફરિયાદમાં વ્યક્ત કરાઈ છે.

વોડાફોન હાઉસમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરતા બિલ્ડીંગ બી માં ડેપ્યુટી જનરલ મેનેજરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની વોડાફોન ઈન્ડિયા સર્વિસ પ્રા. લી. માં 70થી 75 માણસો કામ કરે છે. કંપનીમાં કર્મચારી અને નોકરો સિવાય બીજા કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી.

કંપની તરફથી ઈસ્યુ થયેલા લેપટોપ પર કંપનીના માણસોએ કામ કરવાનું હોય છે. કંપનીએ માર્ચ-2020થી ઓક્ટોબર-2020 દરમિયાન કુલ 1074 લેપટોપની ખરીદી હતી. જે સ્ટોકમાંથી નવા કર્મચારી આવે તેણે લેપટોપ પ્રોવાઇડ કરવામાં આવતું હતું.

2020નું વર્ષ પૂર્ણ થતું હોઈ ડેપ્યુટી જનરલ મેનેજર સહિતના લોકોએ લેપટોપ સ્ટોકની ગણતરી કરી હતી. જેમાં લીનોવો કંપનીના 76 લેપટોપ ઓછા જણાયા હતાં. આ મામલે વોડાફોન ઈન્ડિયા સર્વિસ પ્રા. લી. ના કર્મચારીઓને લેપટોપ બાબતે તેઓ કોઈ કંઈ જાણતા હોય તો જાણકારી માટે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે ગૂમ થયેલા લેપટોપ અંગે કોઈ માહિતી મળી નહતી.

આ બનાવને પગલે કંપનીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ 25 હજારનું એક એવા 19 લાખના 76 લેપટોપની ચોરી અંગે સોમવારે સાંજે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં કંપનીનો જ કોઈ કર્મચારી લેપટોપ ચોરીમાં સંડોવાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.