///

સુરતમાં લાજપોર જેલમાંથી સીમકાર્ડ તેમજ બે મોબાઈલ મળ્યા

સુરતમાં આવેલા લાજપોર મધ્યસ્થ જેલમાં રાજ્ય જેલ વિજીલન્સ સ્કોર્ડએ દરોડા પાડ્યા હતા. જે દરમિયાન બેરેકના સંડાશ અને ચોકડીમાં છુપાવેલો એક સીમકાર્ડ અને બે મોબાઇલ છુપાવેલી હાલતમાં મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.

લાજપોર મધ્યસ્થ જેલ રાજ્યની અત્યંત આદ્યુનિક જેલ ગણાય છે. પરંતુ જેલમાં કેદ કેદીઓ જેલ કર્મચારીઓની સાંઠગાંઠમાં બિન્દાસ્તપણે પ્રતિબંધીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે રાજયના જેલ વિભાગના વિજીલન્સ સ્કોર્ડ દ્વારા લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જેલના યાર્ડ નં. બી 8 ની બેરેક નં. 2માં સંડાશની સામે ચોક્ડીના પ્લાસ્ટિકના નળના ઉપરના ભાગે કવરમાં છુપાવેલો સીમ કાર્ડ અને યાર્ડ નં. એ 12ની બેરેક નં. 5માં સંડાશની ઉપરના ભાગે એક્ઝોસ્ટ ફેનની બહારના ભાગે પ્લાસ્ટિકના પાઇપની અંદર છુપાવેલા બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

ત્યારબાદ વિજીલન્સ સ્કોર્ડે સીમ કાર્ડ મુદ્દે બેરેકમાં કેદ 15 કાચા કામના અને 5 પાસા કેદીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. પરંતુ સીમ કાર્ડ અને મોબાઇલની માલિકી કે વપરાશ કરનાર અંગે કોઇ માહિતી નહીં મળતા વિજીલન્સ સ્કોર્ડના અધિક પોલીસ મહાનિર્દેશક દેવશી કરંગીયાએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અઠવાડિયા અગાઉ જ નારાયણ સાંઇની બેરેક પાસેથી પણ મોબાઇલ ફોન મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.