/////

કોરોના કાળમાં સાળંગપુર ખાતે હનુમાન જયંતિની કરાઈ સાદાઈપૂર્વક ઉજવણી

કોરોનાકાળમાં જાણીતા યાત્રાધામ સાળંગપુરમાં આજે હનુમાન જયંતિની ઉજવણી સરળતાથી કરવામાં આવી રહી છે. જેમાં દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવી છે. માત્ર સંતો પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ દાદાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ઉપરાંત હનુમાન દાદાને આજે 6.5 કરોડની કિંમતના ખર્ચે તૈયાર કરાવેલા સુવર્ણ વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં છે.

સાળંગપુર મંદિરના પૂજ્ય અથાણાવાળા સંતમંડળના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના જણાવ્યા મુજબ, હાલની કોરોના મહામારીને વિશેષ લક્ષમાં લઈ સમગ્ર વિશ્વના કલ્યાણ તથા કોરોના મહામારીના નિવારણ અર્થે હનુમાન જયંતિના પાવન દિવસે મારૂતિ યજ્ઞ પણ કરવામાં આવ્યો છે. દર વર્ષે યોજાતા હનુમાન જયંતિ ઉત્સવ અંતર્ગત સમૂહયજ્ઞ પૂજન, લોકડાયરો વગેરે તમામ જાહેર કાર્યક્રમો બંધ રાખ્યા છે. તેમજ સરકાર તરફથી આગામી સૂચનાઓ ન મળે ત્યાં સુધી જાહેર જનતા માટે મંદિરના દર્શન, આરતી, ધર્મશાળા તથા ભોજનાલય બંધ રાખવામાં આવ્યા છે.

કોરોના મહામારીને કારણે દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનો હનુમાન જયંતિ ઉત્સવના પવિત્ર-પાવન તેમજ દિવ્ય દર્શનનો અને અભિષેકવિધી તથા અન્નકૂટ આરતીનો લાભ ઘરે બેઠા ઓનલાઈન કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

હનુમાન જયંતી નિમિત્તે દાદાને 6.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા હીરા જડિત સુવર્ણ વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં છે. અંદાજે 8 કિલો સોનામાંથી આ વસ્ત્રો બનાવામાં આવ્યા છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડિઝાઇન કરવા માટે સ્પેશલ ડીઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણી બધી ડીઝાઇન બનાવી-તપાસી-સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.