હવે રાજ્યમાં આવેલા ગાંધીનગર શહેરમાં ડ્રેનેજની સફાઇ માટે એક નવીનતન સુવિધા વિકસાવવામાં આવી છે. જેમાં અત્યાધુનિક રોબોટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં આ 38 લાખનો રોબોટ ડ્રેનેજની સાફસફાઇ કરશે. ગટર સાફ કરતા સમય દરમિયાન ઘણીવાર કેટલાંક કર્મચારીઓના મોત થતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં 38 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ રોબોટ ગટર સાફ કરવામાં ખાસ મદદરૂપ સાબિત થશે.
ગત વર્ષે ગટર સાફ કરતી વખતે કર્મચારીઓના મોત પર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં વર્ષ 2019ના શરૂઆતના 6 મહિનાની અંદર સીવર સફાઈ દરમિયાન 50 કર્મચારીઓના મોત થયા હતાં. જો કે આ ડેટા માત્ર ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિત કુલ આઠ રાજ્યનો જ હતો. દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જેમાંથી ગુજરાતમાં જ ગટર સાફ કરતા 156 લોકોના મોત થયા હોવાનો ખુલાસો થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગે ત્રણ વર્ષ પહેલા સફાઈ કર્મીઓના મોતની સંખ્યા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1993 બાદ 817 સીવરમાં કામ કરતા લોકોના મોત થયા હતાં. આ ડેટા 20 રાજ્યોનો હતો જે વર્ષ 2019ના 30 જૂન સુધીનો હતો. જેમાં તમિલનાડુમાં સીવરમાં કામ દરમિયાન સૌથી વધુ 210 લોકોના મોત થયા છે. જેમાંથી ગુજરાતમાં 156, ઉત્તર પ્રદેશમાં 77 અને હરિયાણામાં 70 લોકોના મોત થયા હતાં.