/////

ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે…

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયા મામલે નિવેદન આપતા કહ્યું હતુ કે જનમેદનીની હાજર સંખ્યા વિરોધીઓને ન ગમી હોય. પાછળથી કોઈએ વસ્તુ નાખી હતી. કોઈને પણ કાંકરીચાળો કામ નહીં આવે. અમે તમામ બેઠક જીતવાના છીએ. આ વિરોધીઓનું કૃત્ય છે. આ પહેલા નીતિન પટેલે કહ્યું કે, હું મારી બાઇટ આપવામાં વ્યસ્ત હતો, અમારે એક એક શબ્દ તોલી તોલીને બોલવાનો હોય, અર્થનો અનર્થ ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય અને કાળજી રાખવાની હોય. જેથી કોણે ચપ્પલ ફેંક્યું તેના પર મારૂં ધ્યાન નહતુ.

કોંગ્રેસની પ્રતિક્રિયા

આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે, લોકશાહીમાં વિરોધની આ પદ્ધતિ યોગ્ય નથી. જનતાનો રોષ છે, પરંતુ વિરોધની આ રીત ક્યારેય ન હોઈ શકે. જે સ્થળે ચપ્પલ ફેંકાયું તે ભાજપની સભા અને ભાજપના જ કાર્યકરો હતા. બધા જ ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર હોવા છતાં કોંગ્રેસ પર દોષનો ટોપલો કેમ ? રાહુલ ગાંધી પર ગુજરાતમાં પથ્થર ફેંકાયો ત્યારે ભાજપે તેને વખોડી હોત તો આવું ન બનેત. જનતાનો છૂપો રોષ આવી રીતે વ્યક્ત થઇ રહ્યો છે.

જયરાજસિંહે વધુમાં જણાવતા કહ્યું કે, નીતિન પટેલ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે, પરંતુ તે કોંગ્રેસની સભામાં આવ્યા નહોતા. સભા સ્થળ ભાજપનું, મંડપ ભાજપનો, નેતાઓ ભાજપના, કાર્યકર્તાઓ ભાજપના, ત્યાં હાજર ભીડ ભાજપની તો કોંગ્રેસનો કાર્યકર્તા શું કામે જાય ? આવી સાદી સમજણ પણ પડતી નથી ? કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સુજતુ નથી.

આ સમગ્ર ઘટના મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે પોલીસની હાજરીમાં આ સમગ્ર ઘટના બની હતી. પોલીસ જવાનોને પણ આ ઘટનાની જાણ નથી થઈ. પોલીસ ચપ્પલ ફેંકનાર વ્યક્તિને શોધ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.