///

જામનગર મહાનગરપાલિકાની 64 સફાઈ કર્મીઓ સાથેની ટીમ મદદરૂપ થવા ઉના ખાતે પહોંચી

ગીર સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલી નુકસાનીમાં ગંદકીના કારણે કોઈ અન્ય રોગો ન ઉદ્દભવે તે માટે મદદરૂપ થવા મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા 64 સફાઈકર્મીઓ સાથેની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે મોકલવામાં આવી છે.

આ અંગેની વિગતો જણાવતા આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે, ઉના વિસ્તારમાં ઝડપી સફાઈ થાય તથા લોકોમાં ગંદકીના કારણે અન્ય કોઈ બિમારીઓ કે રોગચાળો ન પ્રસરે તે હેતુથી ઝડપી સફાઈ કામગીરી હાથ ધરવા જામનગર ખાતેથી 4 સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ 64 સફાઇ કર્મચારીઓની ટીમ જરૂરી સાધન સામગ્રી જેવી કે ત્રિકમ, પાવડા, તગારા, ઘણ, પરાઇ, ખાપરી વગેરે તથા મેલોથીયન પાવડર બેગ સાથે ઉના પહોંચેલા છે.

મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલા જ જામનગર મહાનગરપાલિકાની ફાયર તથા ગાર્ડન શાખાની બે ટીમો અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રાહત કામગીરીમાં મદદરૂપ થવા મોકલવામાં આવી હતી. ત્યારે આજે 64 કર્મીઓ સાથેની વધુ એક ટીમ ઉના ખાતે મોકલી જામનગર મહાનગરપાલિકા દ્વારા વસુધૈવ કુટુંબકંની ભાવના નિભાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.