////

આ એકમાત્ર એવુ મંદિર છે જ્યાં સૂર્યાસ્ત બાદ પણ અપાય છે ગાર્ડ ઑફ ઑનર

ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજીમાં આવેલું બહુચરાજી માતાજીનું મંદિર ભાવિકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, પણ આ મંદિર એવું પહેલું અને એકમાત્ર મંદિર છે જ્યાં દર પૂનમે તેમ જ નવરાત્રિમાં આઠમના દિવસે જ્યારે બહુચરાજી માતાજીની પાલખીયાત્રા નીકળે ત્યારે પોલીસ-કર્મચારીઓ બહુચરાજી માતાને ગાર્ડ ઑફ ઑનર આપે છે.

નવરાત્રિમાં આઠમના દિવસે સાંજે માતાજીની પાલખીયાત્રા નીકળે છે. તે સમયે મંદિરના કંપાઉન્ડમાં પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઑફ ઑનર અપાય છે. ત્યારબાદ ગામમાં માતાજીની પાલખીયાત્રા ફરે છે. પાલખી યાત્રામાં મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરાવાય છે. જેની ગામના વેપારીઓ પૂજા કરે છે. ત્યારબાદ પાલખી નિજમંદિર પર પરત ફરે છે. જ્યારે પાલખીયાત્રા મંદિરમાં પાછી ફરે છે ત્યારે પણ મંદિરમાં પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઑફ ઑનર અપાય છે.

ગાર્ડ ઓફ ઓનર ક્યારે અપાય

સામાન્ય રીતે સૂર્યાસ્ત બાદ ગાર્ડ ઑફ ઑનર અપાતું નથી, પરંતુ અહીં પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવે છે. આ પરંપરા ગાયકવાડના સમયથી ચાલે છે. નવરાત્રિમાં જે વૃદ્ધો કે અન્ય નાગરિકો મંદિરે આવી નથી શકતા તેમને માતાજી સામેથી દર્શન આપવા ગામમાં નીકળે છે. માત્ર નવરાત્રિ પૂરતી વાત નથી, પરંતુ બહુચરાજી માતાજીનું આ મંદિર પહેલું એવું મંદિર છે જ્યાં પોલીસ દ્વારા દર મહિનાની પૂનમે બહુચરાજી માતાજીને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવે છે.’

બહુચરાજી માતાજીના મંદિરમાં નવરાત્રિના આગલા દિવસે એટલે કે અમાસના દિવસે પ્રક્ષાલનવિધિ થાય છે. જેમાં મંદિર ઉપરાંત માતાજીની કૂકડા, વાઘ, સિંહ, હંસ, હાથી, મોરની સવારીઓને પણ ધોવામાં આવે છે. ત્યારબાદ ગામના સોનીભાઈઓ પ્રક્ષાલનવિધિ કરવા આવે છે.

બહુચરાજી માતાજીના મંદિરની બીજી વિશિષ્ટતા અને પરંપરા માતાજીનો નવલખો હાર છે. સાત જેટલા નીલમ અને અગણીત ડાયમન્ડથી જડેલા નવલખા હારનો માતાજીને શણગાર કરવામાં આવે છે. નવરાત્રિ બાદ દશેરાએ માતાજીની પાલખી નીકળે છે ત્યારે માતાજીને નવલખો હાર પહેરાવવામાં આવે છે. આ હારની કિંમત હાલના સમયે અંદાજે ૫૦૦ કરોડની આંકવામાં આવે છે. આ નવલખા હારમાં ગ્રીન કલરના નીલમ અને ડાયમન્ડ લગાવેલા છે. વર્ષો પહેલાં ગાયકવાડ સરકારે આ નવલખો હાર આપ્યો હતો. તે વખતથી દશેરાએ પાલખીયાત્રા નીકળે ત્યારે પરંપરા પ્રમાણે બહુચરાજી માતાજીને નવલખો હાર પહેરાવવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાને કારણે આઠમે અને દશેરાએ પાલખીયાત્રા નીકળશે નહીં.’

એક લોકાવાયિકા મુજબ કહેવામાં આવ્યું છે કે આદ્યશક્તિ, હે જગદંબે રામે રાવણને રોળ્યો છે. માતાજીને કેમ એવું કહેવામાં આવ્યું હશે કે રામે રાવણને હણ્યો છે? કેમ કે ભગવાન શ્રીરામચંદ્ર અને લક્ષ્મણજી સીતામાતાની શોધમાં જંગલમાં શૃંગત ઋષિના આશ્રમમાં આવ્યા હતા ત્યારે ઋષિએ તેમને માતાજીનાં દર્શન કરવા અને આશીર્વાદ માટે મોકલ્યા હતા. તે સમયે જગદંબાએ પ્રસન્ન થઈને રાવણને મારવા માટે ભગવાન શ્રીરામને અજય બાણ આપ્યું હતું. તે અજય બાણથી ભગવાન શ્રીરામે રાવણનો સંહાર કર્યો હતો.

તે સમયે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આરાસુરમા માતાજીના હૃદયનો ભાગ પડ્યો છે. આ પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રીરામ માતાજી પાસે આવ્યા હતા. રાવણને જીતવો અઘરો હતો. રામચંદ્ર ભગવાન આવ્યા ત્યારે જગદંબાનો પ્રાદુર્ભાવ થયો હતો. રામચંદ્ર ભગવાનને માતાજીએ અજય બાણ આપ્યું હતું, જેનાથી રાવણનો વધ રામચંદ્ર ભગવાને કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ કૃષ્ણ ભગવાન અહીં આવ્યા હતા અને તેમનું બાબરી–મુંડન અહીં થયું હતું.

ભોગની શું છે વિશેષતા

અંબાજી મંદિરમાં અંબે માતાજીને ધરાવવામાં આવતા થાળની રસોઈ લાકડાં પ્રગટાવીને થાય છે અને રસોઈ માત્ર ઘીમાં જ બને છે. અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અને પ્રથા છે.

ચાર પ્રકારની પરંપરાગત પૂજા

અંબાજી માતાજીનું આ એક મંદિર એવું છે જ્યાં પૂજારી પોતાના પરિવાર વગર રહે છે. અહીં સિદ્ધપુરના બ્રાહ્મણો છે જેઓ ચાર પ્રકારની પૂજા કરે છે. પરંપરાગત પ્રમાણે પૂજા થાય છે.

Leave a Reply

Your email address will not be published.