///

અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું, દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નિધન પર કૉંગ્રેસ પાર્ટીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાહુલ ગાંધી, દિગ્વિજય સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, અભિષેક મનુ સિંઘવી, અર્જુન મોઢવાડિયા સહિત અનેક સિનિયર નેતાઓએ અહેમદ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આ તકે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે દુ:ખદ દિવસ છે. શ્રી અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના આધારસ્તંભ હતાં. પાર્ટીના સૌથી મુશ્કેલ સમયમાં તે સાથે રહ્યાં. તે પાર્ટીની સંપત્તિ હતાં. અમે તેઓને યાદ કરીશું. મારો પ્રેમ અને ફૈઝલ, મુમતાઝ અને પરિવાર પ્રત્યે સંવેદના.

દિગ્વિજય સિંહે કહ્યું કે અહેમદ પટેલ એક મિત્ર, વિશ્વસનીય સાથી જતા રહ્યા. અમે બંને વર્ષ 1977થી સાથે રહ્યા. તેઓ લોકસભામાં પહોંચ્યા, હું વિધાનસભામાં. અમે તમામ કૉંગ્રેસીઓ માટે તેઓ દરેક રાજકીય દર્દની દવા હતાં. મૃદૃભાષી, વ્યવહાર કુશળ અને હંમેશા હસતા રહેવું એ તેમની ઓળખ હતી.

દિગ્વિજય સિંહે કહ્યું કે, કોઈ કેટલો પણ ગુસ્સે હોય તેમની એવી ક્ષમતા હતી કે તેઓ તેમને સંતુષ્ટ કરી પણ શકતા હતાં. મીડિયાથી દૂર, કૉંગ્રેસના દરેક નિર્ણયમાં સામેલ. કડવી વાત પણ ખૂબ જ મીઠા શબ્દોમાં કહેવું તેમની પાસેથી શીખી શકતા હતાં. કૉંગ્રેસ પાર્ટી તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકે. અહમદભાઈ અમર રહો.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, અહેમદજી એક એવા સિનિયર સાથી હતા જેઓ હંમેશા અમારી સાથે ઊભા રહ્યાં. તેમની પાસેથી હું હંમેશા સલાહ અને મંત્રણા કરતી હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

ગુજરાત કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, આજે ભારત માતાએ પોતાનો દીકરો ગુમાવી દીધો, અમે લોકોએ અમારા પ્રિય દોસ્ત, દાર્શનિક અને પથ પદર્શકને ગુમાવી દીધા. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે અહેમદ પટેલ મારા માટે હંમેશાથી માર્ગ દર્શાવનારા બની રહેશે.

Leave a Reply

Your email address will not be published.