આજે દિલ્હીના ચર્ચિત નિર્ભયા દુષ્કર્મ કાંડને 8 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે હજુ પણ રાજ્ય સહિત સમગ્ર દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ છાશવારે જોવા મળે છે. ત્યારે આવો જ એક બનાવ રાજ્યના મોરબીમાં સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલકે રાજકોટની યુવતીને લિફ્ટ આપીને તેની સાથે બળજબરી કરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે, પીડિત યુવતી ટંકારાની મીતાણા ચોકડી નજીક રાજકોટ જવા માટે ઉભી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં બાઈક ચાલકે યુવતીને વિશ્વાસમાં લઈને તેને રાજકોટ સુધી મૂકી જવા માટે લિફ્ટ આપી હતી. ત્યારબાદ યુવક બાઈકને મીતાણા ગામની સીમમાં હંકારી ગયો હતો, જ્યાં વાડીમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે હાલ યુવતીની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત પીડિત યુવતીનું રાજકોટની હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ કરાવ્યું છે.