///

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો યુવક સાયબર ક્રાઈમનો બન્યો ભોગ

હાલમાં સાયબર ક્રાઈમના કેટલાક મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં જે-તે જિલ્લાની પોલીસ પણ લોકો પોતે સાયબર ક્રાઈમ મામલે જાગૃત થાય એવા કાર્યક્રમો કરી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ક્રાઈમના મામલામાં વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે સાયબર ક્રાઈમ સામે લોકોમાં જાગૃતિ આવે એ માટે નર્મદા પોલીસે સાયબર યોદ્ધા નામનો એક પ્રોજેકટ પણ લોન્ચ કર્યો છે. જિલ્લાની પોલીસ પ્રજા વચ્ચે જઈ જાગૃતિ ફેલાવી રહી છે એ તમામની વચ્ચે નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ક્રાઈમનો ભોગ એક યુવાન બન્યો છે. જેમાં ગરૂડેશ્વર નજીક આવેલા સાંઢીયા ગામમાં ગૌશાળાના સંચાલકના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. જેમાં સામે છેડેથી કહ્યું, હું BOB બેંકમાંથી બોલું છું. તમારું બેંક એકાઉન્ટ સિઝ થઈ ગયું છે, તમારો આધાર કાર્ડ નંબર આપો અને ATM પાસવર્ડ આપો.

આ દરમિયાન ફોન બેંકમાંથી જ આવ્યો હોવાનું માની લઈને આધાર કાર્ડ નંબર અને ATM પાસવર્ડ આપ્યો. જે બાદ તેમના મોબાઈલ પર OTP આવ્યો અને મેંસેજ આવ્યો કે OTP મોકલી આપો. જેથી ગૌશાળાના સંચાલકે સામેના મોબાઈલ પર OTP પણ મોકલી આપ્યો. જે બાદ મિનિટમાંજ એમના બેંક એકાઉન્ટમાંથી 4 લાખ રૂપિયા જેટલી રકમ ઉપડી ગઈ, આ રકમ ખાતામાંથી ઉપડી ગઈ એવો મેસેજ એમના મોબાઈલ પર આવ્યો અને તેઓ પોતે છેતરાયા હોવાની ખબર પડી.

ત્યારબાદ આ મામલે ગૌશાળાના સંચાલકએ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ ગરુડેશ્વર પોલીસે સાઈબર ક્રાઇમમાં આ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે, અમારી પોલીસ સાયબર ક્રાઈમ મામલે લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે. કોઈ પણ વ્યક્તિ પર બેંકમાંથી બોલું છું એવો ફોન આવે તો પ્રથમ તો એ બેંકમાં રૂબરૂ જઈ તપાસ કરવી જોઈએ. કોઈ પણ બેંકની શાખા ફોન દ્વારા ખાતું સિઝ થયું હોવાની જાણ નથી કરતી પણ લેખિત જાણ કરે છે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.

આ ઉપરાંત પોલીસ પણ આ પ્રકારના બનાવો બનતા રોકવા તમામ પ્રયત્નો કરે જ છે, પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે. ત્યારે જો લોકો જાગૃત થશે તો સાયબર ક્રાઈમ ઘટશે જ.

Leave a Reply

Your email address will not be published.