///

બનાસકાંઠાના પાથાવાડા પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 2ના મોત

પાથાવાડા પાસે હાઇવે પર મોડી રાત્રે બે ટ્રક સામ સામે ટકરાતા ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા પાંથાવાડા નજીક હાઇવે પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના પાલીથી ગ્રેનાઈટ પથ્થર ભરીને એક ટ્રક મુન્દ્રા તરફ જઈ રહી હતી તે સમયે સામેથી ટાઇલ્સ ભરીને આવી રહેલી ટ્રક સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજસ્થાન તરફથી આવેલી ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માત એટલો ગોઝારો હતો કે બંને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાતા ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે પણ ક્રેનની મદદ લેવી પડી હતી અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પાથાવાડા પોલીસ પણ બનાવ સ્થળે ઘસી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.