////

પાલનપુર-આબુરોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

પાલનપુર આબુરોડ હાઇવે પર ફોર્ચ્યુનર કાર અને એસેન્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યાં છે.

અકસ્માતની મળતી માહિતી મુજબ ફોરચ્યુનર કાર આબુરોડ તરફથી આવી રહી હતી. તે દરમિયાન કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર કાર ડિવાઇડર કૂદીને સામેથી આવી રહેલી એસેન્ટ કાર અને બાઇક સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં એસેન્ટ કારમાં સવાર ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે આસપાસના લોકો તેમજ પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકો પાલનપુરમાં અલગ અલગ ગેરેજમાં કામ કરતા હતાં. ત્યાંથી સાંજે પોતાના ઘરે કારમાં પરત ફરી રહ્યા હતાં. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. એક સાથે ત્રણ યુવકોના મોતથી ચૌહાણ સમાજના લોકો તેમજ ગ્રામજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવતા ટોળેટોળા સર્જાયા હતાં. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કરજા ગામના ચૌહાણ પરિવારના ત્રણ યુવકોના એકસાથે મોત નીપજતાં ગામમાં માતમ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published.